નગાવલાડીયા ખાતે ‘મહિલા સ્વરોજગાર મેળો’ સંપન્ન: સરકારી એકમો અને ખાનગી કંપનીઓ દ્વારા રોજગારી અને લોન સહાયનું માર્ગદર્શન અપાયું

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે નગાવલાડીયા ખાતે એક ભવ્ય **’મહિલા સ્વરોજગાર મેળા’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને ઘરઆંગણે રોજગારી અને આર્થિક સહાય પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નગાવલાડીયા ગામના સરપંચશ્રી શ્રી દેવઈબેન કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, સરકારના વિવિધ વિભાગો અને ખાનગી સંસ્થાઓ જ્યારે ગામડાના ઉંબરે આવીને તકો આપે છે, ત્યારે બહેનોએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ.ગામની દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું 

મદદનીશ કમિશનર શ્રી સિન્હા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), શ્રી મીલાપભાઇ, RSETI-ભુજ,શ્રી ખુશ્બુબેન  લીડ બેંક – બેંક ઓફ બરોડા  અને શ્રી ચેતનાબેન આઈટીઆઈ (ITI) અંજાર ના પ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી. આ એકમો દ્વારા મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટેની સરકારી લોન યોજનાઓ, સબસિડી, કૌશલ્ય વર્ધન તાલીમ અને બેંકિંગ સહાય અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓ જેવી કે Welspun (વેલસ્પન), LIC of India (એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા) અને Mi Lifestyle (એમ.આઈ. લાઈફસ્ટાઈલ) દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન આપી મહિલાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. વધુમાં, ભવના હેન્ડીક્રાફ્ટ ,રિદ્ધિ સિદ્ધિ હેન્ડીક્રાફટ અને વસુધૈવ દેવ કુટુંબકમ જેવી સંસ્થાઓએ મહિલાઓને ઘરે બેસીને કામ (Work from Home) મળી રહે તે માટેની તકો વિશે માહિતગાર કરી હતી કાર્યક્રમ દરમિયાન ૦ થી ૬ મહિનાની દીકરીઓને “દીકરી વધામણા કીટ” આપવામાં આવી હતી તથા ધોરણ–૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત બાલિકા પંચાયત ટીમ તેમજ સંગીત, ચિત્રકામ અને ખેતી વ્યવસાયમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જીલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દ્વારા મહિલા સ્વાવ લંબન યોજના વિષે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની વિગતો આપી હતી. મોટી સંખ્યામાં બહેનોએ આ મેળાનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મચારી શ્રી પુજાબેન, દિપ્તીબેન, વર્ષાબેન ,જીગરભાઈ જુગલભાઈ, ઝાલાભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન ગરવલીયાએ કર્યું હતું.