પૃથ્વી આપણાં પૂર્વજોની મિલકત અને આવતી પેઢીની અમાનત છે ;પ્રકૃતિને બચાવવી એ માત્ર ફરજ નથી, પરંતુ આપણા અસ્તિત્વનું રક્ષણ છે.
દર વર્ષે તા. ૨૨ મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પ્રકૃતિ, વનસ્પતિ, પ્રાણીઓ અને પર્યાવરણનું રક્ષણ કરવા લોકોમાં જાગૃતિ લાવવાનો છે.આ વર્ષની થીમ “Acting locally for global impact” એટલે કે “સ્થાનિક સ્તરે કરેલા પ્રયાસોથી વૈશ્વિક અસર” રાખવામાં આવી છે. તેનો અર્થ એ છે કે આપણે આપણા ગામ, શહેર અને ઘરની આસપાસ નાના-નાના સારા કામ કરીએ તો સમગ્ર વિશ્વના પર્યાવરણને બચાવવામાં મોટી મદદ મળી શકે છે.જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર રહેલી વિવિધ પ્રકારની નસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, સૂક્ષ્મજીવો અનેતેમનું કુદરતી સંતુલન. આ તમામ વસ્તુઓ માનવજીવન માટે ખૂબ જ જરૂરી છે. ખોરાક, દવાઓ,શુદ્ધ હવા, પાણી અને હવામાનનું સંતુલન જાળવવામાં જૈવ વિવિધતાનો મોટો ફાળો છે.ભારત સરકારે જૈવ વિવિધતા જાળવવા માટે જૈવિક વિવિધતા અધિનિયમ-૨૦૦૨ અમલમાં મૂક્યો છે. આ અંતર્ગત રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે વિવિધ સમિતિઓ કાર્ય કરે છે. ગુજરાતમાં પણ ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ દ્વારા અનેક કામગીરી કરવામાં આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા વન્યજીવો અને પર્યાવરણ બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટ અને ગ્રીન ઈન્ડિયા મિશન જેવી યોજનાઓ અમલમાં છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રેરણા આપવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતા અને જૈવ વિવિધતા જળવાઈ રહે. સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક ઘટાડો, સ્વચ્છતા અભિયાન અને વેસ્ટ મેનેજમેન્ટ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે વિશ્વ જૈવ વિવિધતા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું, વૃક્ષો વાવીશું, સ્વચ્છતા જાળવીશું, સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરીશું અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીશું. નાના પ્રયાસોથી જ મોટા પરિવર્તન આવે છે. જો આપણે આજે પ્રકૃતિને બચાવીશું તો જ આવતી પેઢીને સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય આપી શકીશું.પૃથ્વી આપણાં પૂર્વજોની મિલકત અને આવતી પેઢીની અમાનત છે.પ્રકૃતિને બચાવવી એ માત્ર ફરજ નથી, પરંતુ આપણા અસ્તિત્વનું રક્ષણ છે.