પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારો ૧૫મી નવેમ્બર સુધી અરજી કરી શકશે
ભારત સરકાર દ્વારા ૩જી ઓકટોમ્બર ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલી પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની ૫૦૦ કંપનીઓ ૧૨ મહિના માટે ઈન્ટર્નશીપ કરવાની તક મળી રહી છે. જેમાં અરજી કરવાની તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પી.એમ.ઈન્ટર્નશીપ માટે આપેલી વેબસાઈટ https://pminternship.mca.gov.in/ ઉપર જઈને નોંધણી કરવાની રહેશે તેમજ જાહેરાતમાં લાયકાત ધરાવતા યુવાઓ જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ ખાતે ૧૪મી નવેમ્બર સુધી રૂબરૂ મુલાકાત લઈ પોતાની નોંધણી કરાવી શકશે. કચ્છ જિલ્લાના યુવાઓ કે, જેમની શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઈ.ટી.આઈ પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ પાસ છે તે ઈન્ટર્નશીપ માટે અરજી કરી શકશે. જો કે પૂર્ણ સમયનો રોજગાર કે શિક્ષણ મેળવતા ના હોય, અગાઉ એપ્રન્ટીશીપ કરેલી ના હોય પોતે કે કોઈ પરિવારના સભ્ય સરકારી નોકરી ના કરતા હોય તેમજ આવક મર્યાદા ૮ લાખ કે તેથી ઓછી હોય તેવા ઉમેદવારો આ યોજનામાં અરજી કરી શકશે. આ યોજનામાં ભારત સરકાર દ્વારા રૂ.૪૫૦૦/- તથા કંપની દ્વારા રૂ.૫૦૦/- માસિક સહાય તેમજ સરકારશ્રી દ્વારા ૧ વર્ષ માટે રૂ.૬૦૦૦/- આકસ્મિક અનુદાન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા જિલ્લા રોજગાર કચેરી ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.