કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૨૪માં ઔદ્યોગિક એકમોના શ્રમિકોની ૫૧ ફરિયાદો સામે કુલ રૂ. ૨૫ લાખથી વધુની ચૂકવણી કરાવવામાં આવી: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત
કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવામાં અગ્રેસર છે. ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમ તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૮૦ ફરિયાદો મળી હતી. જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી, ૫૧ ફરિયાદોમાં ૪૨ ઔદ્યોગિક એકમોના ૭૨ શ્રમિકોને સમજાવટથી કુલ રૂ. ૨૫ લાખથી વધુના ચૂકવણું કરાવવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઉદ્યોગમંત્રીશ્રીએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં સ્ટીલ ઉદ્યોગ, બંદરો, મીઠા ઉદ્યોગ, રિન્યૂએબલ એનર્જી જેવા ઉદ્યોગો કાર્યરત છે. જે મુજબ કચ્છ જિલ્લામાં ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલાં એકમોની કુલ સંખ્યા ૧૦૦૪ હતી, જે ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં વધીને ૧૦૭૪ થઈ છે.
મંત્રીશ્રી રાજપૂતે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ અને હિતોને પ્રાથમિકતા આપીને શ્રમ કાયદા હેઠળ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭૪૦ નિરીક્ષણો કરવામાં આવ્યાં છે. જેમાં શ્રમ કાયદાઓની જોગવાઇઓના ભંગ બદલ ૧૪૭ એકમો સામે ૧૭૮ જેટલા ફોજદારી કેસો દાખલ કરવામાં આવેલ છે.
રાજ્યમાં શ્રમિકોના કલ્યાણ માટે મુખ્યત્વે કારખાના ધારા-૧૯૪૮ અને તે હેઠળના નિયમો, વેતન ચૂકવણી ધારા-૧૮૩૬, પ્રસૂતિ સહાયતા અધિનિયમ-૧૯૬૧, લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫, ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨, કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ-૧૯૭૦, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ-૧૯૪૭, બાળ અને કિશોર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ જેવા વિવિધ કાયદાઓ અમલમાં છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં, મંત્રીશ્રી રાજપૂતે ઉમેર્યું કે રાજ્યના શ્રમિકોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો માટે શ્રમ આયુક્ત કચેરી દ્વારા તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨થી શ્રમિક સહાયક ટોલ ફ્રી હેલ્પ લાઇન પણ શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન ઉપર તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં છેલ્લાં એક વર્ષમાં કુલ ૧૮,૩૪૭ કોલ આવ્યા છે. જેમાંથી તમામ કોલ ને યોગ્ય પ્રતિસાદ આપી શ્રમયોગીઓના પ્રશ્નોનું હકારાત્મક નિરાકારણ કરવામાં આવેલ છે.
એટલું જ નહીં, શ્રમ તંત્રના અધિકારીઓ દ્વારા આ સિવાય પણ કુલ ૭૩૪ ઔદ્યોગિક એકમોની રૂબરૂ તપાસ કરીને લાગુ પડતાં શ્રમ કાયદાઓ હેઠળ તપાસ નોંધ આપવામાં આવેલ છે તેમજ આ સંદર્ભે પૂર્તતા ન કરનારા કુલ ૫૦ ઔદ્યૌગિક એકમો સામે ૧૬૦ ફોજદારી કેસ લેબર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૫ કેસમાં કોર્ટ દ્વારા કસૂરવાર માલિકને રૂ. ૧૪,૯૬,૦૦૦/-દંડ કરવામાં આવ્યો છે.