માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શક્ય

copy image

સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં ચાલી રહી છે ત્યારે હજુ પણ એવા અનેક ખેડૂતો છે કે જેઓમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતિ આવવી જરૂરી છે. જેથી બાકી ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે. જે માટે સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતીને સમજવી જરૂરી છે. ખેડૂત મિત્રોના મગજમાં સૌથી પહેલા સવાલ ઉઠે છે કે, પ્રાકૃતિક ખેતી એટલે શું?. તો પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃધ્ધિ માટે જરૂરી ખેત સામગ્રી બહારથી ન લેતા, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જ જાતે જ બનાવવામાં આવે છે.
બીજો સવાલ ખેડૂત મિત્રોના મગજમાં આવે કે, પ્રાકૃતિક ખેતી શા માટે અથવા તેના ફાયદા શું છે. તો પ્રાકૃતિક ખેતીના અધધ ફાયદા છે. આ ખેતીથી જમીનની ફળદ્રુપતાનું જતન, ખેતી ખર્ચમાં ઘટાડો, ખેડૂતની એકંદર આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રે ગાયની મહત્તાનું પુનઃસ્થાપન, માનવજાતના સ્વાસ્થ્યનું જતન, પર્યાવરણની જાળવણી, પાકને અનુકૂળ સુક્ષ્મ પર્યાવરણનું વ્યવસ્થાપન, જમીનની ભેજ ધારણમાં વધારો એટલે કે જળસંચય, પાણી અને વીજળીની બચત, જમીનનું ધોવાણ અટકે, અળસિયા અને અન્ય ઉપયોગી સુક્ષ્મજીવોની ક્રિયાશીલતામાં વધારો, જમીનમાં કાર્બનિક પદાર્થોનો ઉમેરો, હ્યુમસનું નિર્માણ, પોષક તત્વોનું કુદરતી રીતે વ્યવસ્થાપન, જમીનમાં હવાની અવર જવરમાં વધારો, પાકના વૃધ્ધિ વિકાસ માટે જરૂરી હોર્મોન્સનું નિર્માણ, મિત્ર કિટકો અને પરોપજીવીનું રક્ષણ, રોગ જીવાતનું કુદરતી રીતે વ્યવસ્થાપન, નિંદામણનું કુદરતી વ્યવસ્થાપન અને આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે છે. જેથી આજના સમયમાં પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. પ્રાકૃતિક ખેતીથી જમીન અને આપણુ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી થતા ફાયદા આત્મા પ્રોજેકટના ડાયરેકટર જણાવે છે કે, એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી શક્ય છે. ઓછો ઉત્પાદન ખર્ચ અને વધારે ભાવ, બે થી અઢી ગણું વધારે ઉત્પાદન, ૯૦ ટકા પાણી અને વીજળીની બચત તેમજ પ્રાકૃતિક આફતો સામે પાકનું રક્ષણ મળી શકે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ અને દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલા ઘનજીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવુ અને ઉભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત આપવુ, પ્રાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે. જેથી રાસાયણિક ખેતી કરતા ખેડૂતોએ પણ સમાજના અને પોતાના પરિવાર માટે પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ સમયની માંગ છે.