દેશના આર્થિક ધબકાર સમી ઔદ્યોગિક સંસ્થાઓ, એરપોર્ટ, બંદરગાહો, પર્યટન સ્થળ, અંતરિક્ષ સહિતના સ્થળોને સુરક્ષા પ્રદાન કરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ
ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)ને ૧૦ માર્ચના રોજ ૫૭ વર્ષ પૂર્ણ થતાં સી.આઈ.એસ.એફ. રાઈઝીંગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવી સંસ્થાની સ્થાપના છે જે જવાનોના અથાગ પરિશ્રમ, બલિદાન અને સમર્પણની યાદ અપાવે છે. જે ભારતના આર્થિક ધબકાર સમી ઔદ્યોગિક સંસ્થાઓ, એરપોર્ટ, બંદરગાહો, પર્યટન સ્થળ, મેટ્રો, અંતરિક્ષ, ન્યુક્લિયર પ્લાન્ટ સહિતની સંવેદનશીલ સંસ્થાઓની ખડેપગે સુરક્ષા કરે છે. જે ભારતની પેરામિલિટરી ફોર્સમાંથી એક ફોર્સ છે.
CISF હાલમાં દેશભરમાં ૩૬૧ મહત્વપૂર્ણ સંસ્થાઓનું રક્ષણ કરી રહ્યું છે, જેમાં ૭૦ એરપોર્ટનો સમાવેશ થાય છે. બહાદુરી, બલિદાન અને સમર્પણનો પર્યાય ગણાતું CISF, આધુનિકતાને અપનાવીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઢાલ બની ગયું છે. તાજેતરમાં ગૃહ મંત્રાલયે CISFને તમામ બંદરોની સુરક્ષા સોંપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ અર્થે મહત્વના બે સંકલ્પો લીધા છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવું અને દરેક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવવું, તથા વર્ષ ૨૦૨૭ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવું. તેમણે કહ્યું કે CISF આ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે.
દેશના સંવેદનશીલ ક્ષેત્રોની સુરક્ષાને બળ આપતું સી.આઈ.એસ.એફ. K-9 ડોગ સ્કવોડ. આ ડોગ સ્કવોડની સુંઘવાની શક્તિ શસ્ત્ર સમી, ચપળતા બખ્તર સમી, શિસ્ત આભૂષણ સમી, અજોડ ગતિ, ચોકસાઈ અને વિશ્વસનીયતા, કોઠા સૂઝ વગેરે ખૂબ ઉમદા કક્ષાના હોય છે. જમીનથી ૧૦ થી ૧૫ ફૂટ ઊંડાઈ હોય કે પછી પર્વતીય વિસ્તાર હોય, આગ, પૂર, બોમ્બ શોધવા, દુશ્મન પકડવા, નશીલા પદાર્થો શોધવા, સર્ચ અને રેસ્ક્યુ, આગાહી કરવી વગેરે માટે તેઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઉપરાંત, આતંકવાદ અને નક્સલ વિરોધી ઓપરેશનમાં પણ તેઓ કડીરૂપ બને છે.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દેશના છેવાડાના લોકો સુધી પહોંચવા અને દેશભક્તિની ભાવનાનું નિર્માણ કરવા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાંની સૌથી ચર્ચિત અને ઐતિહાસિક ૬૫૦૦ કિલોમીટરની “વંદે માતરમ્ સાયક્લોથોન” ઇવેન્ટ. આ ઇવેન્ટમાં ૬૫ મહિલાઓ સહિત ૧૩૦ જવાનોએ ભારતના ગુજરાત અને પશ્ચિમ બંગાળ રાજ્યથી એમ કુલ બે ટીમ કેરાલાના કોચીન સુધીની ૨૫ દિવસીય સમુદ્ર તટ વિસ્તારની સાયકલ યાત્રા લોકોમાં દેશ ભક્તિનું મોજું પ્રસરાવાવમાં ઘણી સફળ રહી છે.
સી.આઈ.એસ.એફ. તેના જવાનોની શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા સતત પ્રયત્નશીલ રહે છે. થોડા સમય પહેલા જ યોજાયેલ “વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ”માં ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ સી.આઈ.એસ.એફ.ના રમતવીરોએ ૬૪ મેડલ મેળવ્યા હતા. આ ઇવેન્ટમાં વિશ્વના ૭૦ દેશોના દસ હજાર ખેલાડીઓએ લીધો હતો. આ ઉપરાંત, સી.આઈ.એસ.એફ.ના જવાનો કાર્ય ફરજ માટે ઘરથી દુર રહેતા હોવાથી તેઓનું મનોબળ મક્કમ રહે તે માટે ખાસ તકેદારીના પગલાં લેવામાં આવે છે. જે અંતર્ગત એક નવતર પહેલ “પ્રોજેક્ટ મન” હાથ ધરવામાં આવી છે. જેમાં જવાનોની માનસિક સ્થિતિને મજબૂત બનાવવા અને જીવનના સંઘર્ષો જાણીને તેના શક્ય ઉપાયો દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સી.આઈ.એસ.એફ.ના જવાનોની સાથોસાથ તેઓના બાળકોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. CISF દ્વારા જવાનોના બાળકોને કારકિર્દી ક્ષેત્રે મદદરૂપ બનવા ડી.જી.મેરીટ સ્કોલરશીપ યોજના કાર્યરત છે. જે અન્વયે ૮૦થી ૯૦% ગુણ મેળવનારાને રૂ.૨૦,૦૦૦ અને ૯૦%થી વધુ ગુણ પ્રાપ્ત કરનારને રૂ.૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ રૂપે પ્રદાન કરવામા આવે છે.
આ ઉપરાંત, ફોર્સના જવાનો દેશની સુરક્ષા સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. જેમાં લોકોને અંગદાન વિશેનું મહત્વ સમજાવવું, યોગા ટ્રેઈનીંગ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, મેડીકલ કેમ્પનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. સાથોસાથ આ ફોર્સ દેશની આવનારી પેઢીને “સ્વચ્છતા” જાળવવા અંગેનો સંદેશો પણ આપે છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરતા સી.આઈ.એસ.એફ.ના તમામ જવાનોના અથાગ બલિદાન અને સમર્પણ બદલ તેઓને આજના આ મહત્વપૂર્ણ દિવસ નિમિત્તે શત શત નમન કરીએ છીએ.