ક્ષિત વિક્ષત હાલતમાં પડેલા મૃતદેહો જોઈ ભલભલાના કાળજામાં કંપારી કંમ્પારી છૂટી જાય એનાથી પણ ભયાનક હાલત


12/6 અમદાવાદમાં થયેલ વિમાની હોનારત જે ક્યારેય ભૂલાશે નહીં. કંઇક પરિવારો ખતમ થયા. કેટલાયના સપના ચૂર થયા. પીડાનો આ ડંખ જીવનભર રહેશે.
આંખના આંસુ સૂકાઈ નથી રહ્યાં, ચહેરા પરથી ઉદાસી જતી નથી. કોઈએ માવતરને ગુમાવી તો કોઈએ ભાઈ ગુમાવ્યો તો કોઈએ બહેન. કોઈએ દાદા-દાદી તો કોઈએ પૌત્ર-પૌત્રી. કોઈના બાળપણનો દોસ્ત ચાલ્યા ગયા. દરેક ઘા સમયજતા રુઝાઈ જાય છે. પણ સ્વજનોને ગુમાવવાની પીડા ક્યારેય જતી નથી. એ સતત રહે છે. ખુશીના દરેક પ્રસંગે તેમની યાદ આવશે. જીવનમાંથી જાણે હોળી-દિવાળી જતી રહી. ગુરુવારની રાતે સમગ્ર શહેર ઉદાસ હતું. પડોશમાં કોઈના નિધનનો શોક ઘરની રસોઈ, આંગણામાં પણ અનુભવાય છે. એવો જ સૂનકાર, ખાલીપણું ગઈકાલે ગુજરાતના દરેક પરિવાર, દરેક ઘરમાં હતું. ગુરુવારે સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બાદ આ શહેરે જે ધૈર્ય, જે સમર્પણ અને જે જુસ્સો દર્શાવ્યો એ બેમિસાલ છે. પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડના કર્મચારી, નર્સ, ડૉક્ટર, પત્રકાર, એરપોર્ટ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, સામાન્ય રાહદારી.. સોસાયટીઓ નું યુવાધન અને ત્યાં સુધી કે નાના-મોટા પાનના ગલ્લા, ચાની દુકાનવાળા દરેકજણ મદદ માટે દોડી આવ્યા હતા. એક જણનો જીવ બચાવી શકાય એ માટે દરેક જણ પ્રયાસરત હતા. દરેક વ્યક્તિ જે રીતે શક્ય બને એ રીતે મદદ કરી રહી હતી. પોતાની જાતની ચિંતા છોડી સૌ માનવતાની ચિંતા કરી રહ્યા હતા. આ જ તો ગુજરાત છે. આ જ તો ગુજરાતી છે. ગર્વ છે આ શહેર પર. આ પ્રજા પર કહેવાય છે કે કોઈના સારા પ્રસંગમાં ભલે પડખે ન રહો પણ કપરા સમયમાં મદદ માટે જરૂર દોડી જવું જોઈએ. ગુરુવારે સમગ્ર શહેરે પણ આ જ કર્યું. અને જે લોકો સ્થળ પર નહોતા તેઓ ઘરે રહીને પ્રાર્થના કરી રહ્યા હતા. દુર્ઘટનાઓ પર કોઈનું નિયંત્રણ નથી. પણ હોનારત બાદ સ્થિતિને સાચવવા
માટે સરકાર, પોલીસ તંત્ર, કોર્પોરેશનના સામાન્ય લોકો, એરપોર્ટ ઑથોરિટી, મેડિકલ સ્ટાફે જે રીતે ભૂમિકા ભજવી તેમની પ્રશંસા જરૂર થવી જોઈએ. ખામીઓ શોધવી સરળ છે. એ પછી પણ શોધ્યા કરીશું. પણ આજે જરૂર છે આ જનસેવકોના ખભે હાથ મુકવાની. તેમને ભરોસો આપવાની જરૂર છે. સાથે જ પીડિતો સુધી મદદ પહોંચાડવાની પણ. તેમને એ હિંમત આપવાની જરૂર છે કે જીવનની આ સૌથી કપરી ક્ષણોમાં સૌ માણસજન સૌની પડખે ખભેથી ખભો મિલાવી સાથે રહ્યું છે. જે ખોટ પડી છે એ ક્યારેય ભરી શકાય એમ નથી પણ આપણે એમની પડખે જરૂર ઊભા રહી શકીએ છીએ.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચિયા, અમદાવાદ.