પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ દિવંગતોને કચ્છ ભાજપની અંજલી

e23fcf43-6718-4aa4-a399-3ef9ee4ae6d4
copy image

સમગ્ર ભારતને ગમગીન કરી મુકનારી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ દિવંગત પ્રવાસીઓ અને જીવ ગુમાવનારા તબીબી છાત્રો સહિત તમામ લોકોને ભાવાંજલિ આપવા કચ્છ જીલ્લા ભાજપ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજરોજ સાંજે જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં પક્ષના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને દિવંગતોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે હૃદય અંજલિ આપી હતી.

આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થી અવસ્થાથી જ નેતૃત્વના ગુણો કેળવી કરેલા કામો અને ભાજપના અદના કાર્યકર તરીકે સ્વભાવ અને કાર્યશૈલીથી જે લોકપ્રિયતા મેળવી હતી તે ગુજરાતની પ્રજા ક્યારે ભુલી શકે તેમ નથી. તેમના આ રીતે થયેલા અચાનક નિધનથી ભાજપના સર્વે કાર્યકરો સહિત સમગ્ર ગુજરાતની જનતા સખત દુઃખની લાગણી અનુભવી રહી છે.

પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વ. વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા અને સાદગી હરહંમેશ કાર્યકર્તાઓને પ્રેરણા આપતી રહેશે. એક કુશળ સંગઠનકર્તા અને એક સંવેદનશીલ શાસક તરીકે તેમણે ગુજરાતના જનમાનસ પર અનેરી સુવાસ પાથરી છે.

ઉક્ત પ્રાર્થનાસભામાં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને સ્વ.વિજયભાઈ સહિત દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.