કોંગ્રેસ પ્રેરિત કટોકટીના કાળા દિવસની દર્દનાક કથની જન જન સુધી પહોંચાડવા કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ગાંધીધામ ખાતે જાહેરસભા યોજવામાં આવી

copy image

copy image

ભારત દેશ આઝાદ થયો તેને ૭૮ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દેશવાસીઓની અસહ્ય યાતનાઓ બાદ આખરે જ્યારે દેશ આઝાદ થયો અને એ પછી સુવર્ણ ભારતના ભવિષ્યની કલ્પના કરતાં કરોડો લોકોએ અનેક સુંદર સપનાઓ જોયાં હતા પણ આઝાદ ભારતના એ તમામ લોકોના સ્વપ્નો રોળી નાંખીને કોંગ્રેસ અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટીના સ્વરૂપમાં દુઃસ્વપ્ન સમું એક અક્ષમ્ય ફરમાન તાત્કાલિક અસરથી લાગું કર્યું જેની આ દેશના લોકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

કોંગ્રેસના આ કાળા કરતૂતોનો દેશવાસીઓ સમક્ષ પર્દાફાશ કરવા તેમજ કટોકટીના કાળા દિવસની દર્દનાક દાસ્તાનને જન જન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજ રોજ ગાંધીધામ ખાતે એક જિલ્લાકક્ષાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાહેરસભાના મુખ્ય વક્તા મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને માહિતગાર કરતાં કહ્યું કે ૨૫ જૂન, ૧૯૭૫ની રાત્રે સાર્વભૌમ ભારતના સંવિધાનને ગળે ટૂંપો દઈ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આઝાદ ભારતમાં શ્વાસ લેતા પ્રત્યેક નાગરિકને તેમના સંવિધાનૈક હક્કો છીનવી દેશની અત્યારસુધીની સૌથી મોટી અરાજકતાનો પરચો દેખાડ્યો હતો. એ વાતને આજે ૫૦ વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આજના યુવાનોને એ કટોકટી કાળની દર્દનાક કથની વિશે પૂરું જાણવા ન મળ્યું હોય તે સ્વાભાવિક છે. અડધી સદી સુધી પણ એ ૧૯ મહિનાના કાળા દિવસોની કડવી યાદો ભૂલી શકાય તેવી નથી ત્યારે આજની પેઢી પણ એ વાત હકીકત સ્વરૂપે અને યથાર્થપણે જાણે તે હેતુથી જિલ્લા ભાજપ દ્વારા જનજન સુધી આ વાત પહોંચે તેનો પ્રયાસ આજે થયો છે.  

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કટોકટીના સમય દરમ્યાન અનેક વિપક્ષી નેતાઓએ ભોગવેલી જેલયાતના અને આતંક સહન કરી કેવી રીતે કટોકટીનો અને કોંગ્રેસનો વિરોધ ચાલુ રાખ્યો હતો તેની માહિતી આપી હતી. સ્વ. અટલબિહારી વાજપેયી સહિત અનેક નેતાઓએ દેશ ખાતર કોંગ્રેસના કાળા જુલમો સહ્યા તેની યાદ અપાવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એ સમયે ગુજરાતે વિરોધ ચળવળમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ગુજરાતનાં અનેક લોકો, આરએસએસના સ્વયંસેવકો, જનસંઘના અગ્રણીઓએ પણ જેલ યાતના ભોગવવી પડી હતી. એ સમયે ખાસ કાયદો બનાવી મિસા નામ સાથે ધરપકડ કરવામાં આવતી હતી, જેમાં જામીન પણ શક્ય નહોતી. મિસા હેઠળ અનેક લોકોએ ધરપકડ વહોરી હતી. કચ્છના જે લોકોએ મિસા હેઠળ ધરપકડ વહોરી હતી તે પૈકીનાં પ્રતાપભાઈ રૂપારેલનું આ સભામાં ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની ભૂમિકાને બિરદાવાઈ હતી.

આ સભામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, વરિષ્ઠ આગેવાન અરજણભાઈ રબારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલભાઈ ગોર, મીનાક્ષીબેન ભટ્ટ, જીલ્લા ભાજપ મંત્રીઓ વસંતભાઈ કોડરાણી, પ્રફુલ્લસિંહ જાડેજા, નીલમબેન લાલવાણી, જિલ્લા ભાજપ યુવા મોરચા અધ્યક્ષ તાપસભાઈ શાહ, અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ અશોકભાઈ હાથી સહીત બહોળી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સભાનું સંચાલન આ કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ હિતેશભાઈ ખંડોરે જ્યારે આભારવિધિ સહ ઈન્ચાર્જ હેમંતભાઈ શાહે કરી હતી. સમગ્ર આયોજનની સુચારુ વ્યવસ્થા માટે ગાંધીધામ શહેર ભાજપ અધ્યક્ષ વિજયભાઈ પરમાર તથા મહામંત્રીઓ મહેન્દ્રભાઈ જુણેજા અને મનોજભાઈ મુલચંદાણી સહિત સમગ્ર ગાંધીધામ શહેર ભાજપ સંગઠને જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું