ભુજમાં ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

કચ્છના પાટનગર ભુજમાં ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગોના આ તહેવારમાં મસ્ત બન્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘હોલી હૈ’ ના નાદ સાથે ગુલાલ અને રંગોની છોળો ઉડી હતી. ભુજનું હૃદય ગણાતા ઐતિહાસિક હમીરસર તળાવના કિનારે સવારથી જ યુવાનો અને બાળકોની ભારે ભીડ જોવા મળી હતી. ડીજેના તાલે અને ઢોલના ધબકારે ભુજવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. હમીરસરના કિનારે જાણે રંગોનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યુવાધને એકબીજાને રંગીને અને પાણીની રમતો રમીને પર્વનો આનંદ માણ્યો હતો.
શહેરની વિવિધ સોસાયટીઓમાં પણ રહેવાસીઓએ સાથે મળીને ધુળેટી મનાવી હતી. અનેક સ્થળોએ મ્યુઝિક સિસ્ટમ અને હોજ બનાવીને લોકોએ સામૂહિક સ્નાન અને રંગાટનો આનંદ લીધો હતો. ખાસ કરીને ગૃહિણીઓ અને વડીલોએ પણ તિલક હોળી રમીને પરંપરા જાળવી હતી. ઠેર-ઠેર કેસૂડાના રંગ અને અબીલ-ગુલાલથી વાતાવરણ મઘમઘી ઉઠ્યું હતું.
શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો