આદર્શ આચારસંહિતા અંતર્ગત સરકારી સર્કિટ હાઉસ અને રેસ્ટ હાઉસના ઉપયોગ પર નિયંત્રણો ફરમાવતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ અન્વયે રાજ્ય ચૂંટણી આયોગના તા. ૦૧/૦૪/૨૦૨૬ ના પરિપત્રથી કાર્યક્રમ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે અને આ ચૂંટણી કામગીરી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આ ચૂંટણીઓ દરમિયાન આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ સરકારી એકોમોડેશનના ઉપયોગ અંગે હુકમો બહાર પાડવામાં આવ્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ મુજબ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો દ્વારા સરકારી એકોમોડેશનના ઉપયોગ સંબંધે વિવિધ હુકમો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કોઈપણ ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટહાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટર અન્ડરટેકીંગના કોઈપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે કરી શકશે નહીં. કોઈપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશન કે તેના પ્રિમાઈસીસનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં. આ એકોમોડેશનમાં ઉમેદવાર/કાર્યકરો/સમર્થકો/રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શકશે નહીં. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલું હોય તેનું જ એક વાહન (એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધુ નહીં) જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રાખી શકાશે.
એકોમોડેશન વધુમાં વધુ ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે. જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની (Z-સ્કેલ) અથવા તેનાથી વધુ કે તેને સમાન સિક્યોરીટી આપવામાં આવેલી હોય તેવા વ્યક્તિઓને પ્રવર્તમાન જોગવાઈઓને આધારે એકોમોડેશન આપી શકાશે. પરંતુ આ એકોમોડેશન, જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટિકલ ફંક્શનરીને ફાળવી શકાશે નહીં.
આ જાહેરનામું કચ્છ જિલ્લામાં ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરોને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ અંતર્ગત કલમ ૨૨૩ મુજબ કાયદાકીય કાર્યવાહી થઈ શકશે.