કચ્છ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને સંસ્કૃત ભાષાના સંવર્ધન અર્થે સંવાદ સંગોષ્ઠિ યોજાઇ

આજરોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમનશ્રી હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી મોહન ભાઈ પટેલ, રજિસ્ટ્રાર શ્રી અનિલ ભાઈ ગોર, યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા શ્રી કે.એમ ત્રિવેદી ,સંસ્કૃતના તમામ અધ્યાપકશ્રીઓની ઉપસ્થિતિમાં સંસ્કૃત ભાષાના ગૌરવ વધે અને તેનું સંવર્ધન થાય તેવા હેતુસર સંવાદ – સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેરમેનશ્રી હિમાંજય પાલીવાલ દ્વારા ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં સંસ્કૃત ભાષાનો વિકાસ રાજ્યની સાથે સમગ્ર દેશભરમાં કેવી રીતે કરી શકાય તે બાબતે ઉપસ્થિતોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી શ્રી જી.જી.નાકર અને શ્રી જીગર દવે દ્વારા કરવામાં આવ્યું હતું.