સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણીઓમાં વાહનોના ઉપયોગ પર નિયંત્રણો
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ ચૂંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચૂંટણીની નિષ્પક્ષતા જોખમાવાની સંભાવના છે. રાજ્ય ચૂંટણી આયોગના તા.૧૬/૧૨/૧૯૯૪ના હુકમ ક્રમાંક:એસઈસી/ઈએલસી/એમયુએન/એસસીએલ/૯૪ની વિગતે ભારતના ચૂંટણી પંચના પત્ર ક્રમાંક ૪૩૭/૬/૦૬-પીએલએન/૩, તા. ૨૩/૧૧/૦૭ની સૂચના અનુસાર ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો ઉપર પ્રતિબંધ/નિયંત્રણ રાખવા ફરમાવેલ છે.
જેથી શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ – ભુજ એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ /પેટા ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે મતદાનના દિવસે નીચે મુજબના હુકમો કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ના સમયગાળા દરમિયાન ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા આવતા વાહન પૂર્વ પરવાનગી વિના ઉપયોગમાં લઇ શકાશે નહી. પરવાનગી મેળવેલ વાહનનો જે તે મતદાર વિસ્તારમાં જ તેનો ઉપયોગ કરી શકાશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાનાર વાહનના વીન્ડ સ્ક્રીન પર પરવાનગીના હુકમ નંબર તારીખ દર્શાવવાના રહેશે. મતદાનના દિવસે ઉમેદવાર તેમના પોતાના માટે એક વાહન ચૂંટણી એજન્ટ માટે એક વાહન અને પક્ષના કાર્યકરોના ઉપયોગમાં એક વાહન મળી કુલ ૩ જ વાહનો પૂર્વ પરવાનગી મેળવી ઉપયોગ કરી શકશે. મતદાનના દિવસે કોઇપણ ઉમેદવાર કે કાર્યકર કે ચૂંટણી એજન્ટ કે રાજકીય પક્ષ દ્વારા મતદારોને મતદાન મથકે નિશુલ્ક લઇ જવા તથા પરત લાવવા વાહન પુરૂ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનધિકૃત દબાણ/પ્રલોભન ઉભું કરવા સામે મનાઇ ફરમાવાઇ છે.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. ઉપરાંત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૩ હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ના પ્રકરણ-૯ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શક્શે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાના પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરીયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રના કર્મચારીઓને રહેશે.