પીઓકેમાં ઉગ્ર આંદોલન : ભારતની માંગી મદદ
copy image

વર્ષો સુધી દમન સહન કર્યા પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હજારો લોકો રસ્તા પર ઊતરી પડતાં સ્થિતિ બેકાબૂ બની હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારની બર્બરતા અને 600થી વધુ સામાજિક કાર્યકર્તાની સામૂહિક ધરપકડ બાદ પીઓકેમાં પાકિસ્તાન સામે બળવો સર્જાયો છે. આંદોલનના સૌથી મોટા ચહેરા શૌકત નવાઝ મીરને નજરકેદ કરાતાં નારાજ `જોઇન્ટ અવામી એક્શન કમિટી’એ ઇસ્લામાબાદને પડકાર ફેંકવા સાથે પહેલી જ વખત સ્પષ્ટ રીતે ભારતની મદદ માગી છે. રસ્તા પર ઊતરેલા લોકો પર પોલીસ દ્વારા બેફામ ગોળીબારના અહેવાલ સામે આવ્યા છે. લોકોના દેખાવો અને આંદોલનના નેતાઓના વીડિયો વાયરલ થયા છે. ચળવળના નેતાઓએ ભારતનો સંપર્ક કર્યો છે અને કાશ્મીરમાંથી મદદ માગી છે. ગુલામો તેમનાં નિયંત્રણમાં છે અને આપણા રાજાને કેદ કરવામાં આવ્યા છે, નેતાઓ કહે છે, `રાશન અને દવાઓ પૂરી થઈ ગઈ છે, સરહદ પારના ભાઈઓ કૃપા કરીને અમારી મદદ કરો’. જમ્મુ અને કાશ્મીર જેએએસીના મુખ્ય સભ્ય સરદાર અમન ખાનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે પાકિસ્તાન સરકારના જુલમ, ખાદ્યાન્નની તીવ્ર અછત અને દુર્દશા પર દુ:ખ વ્યક્ત કરીને સીધા જ જમ્મુ અને કાશ્મીરના લોકોને મદદ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. પાકિસ્તાની કબજામાંથી મુક્તિ મેળવવાની પોતાની ઝંખના વ્યક્ત કરતાં જેએએસી નેતાએ બંને દેશ વચ્ચેની સરહદ નાબૂદ કરવાની હાકલ કરી હતી. સરહદ પાર (ભારતીય બાજુ) રહેતા લોકોને સંદેશમાં તેમણે જણાવ્યું , `અમે આ યુદ્ધવિરામ રેખાને કાયમ માટે ભૂંસી નાખવા માગીએ છીએ અને આ માટે અમને તમારાં સમર્થનની જરૂર છે.’ અમન ખાને પાકિસ્તાની શાસકોને સ્થાનિક લોકોને નબળા ન સમજવા ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું , `જો કોઈ એવું વિચારે છે કે આપણે નબળા છીએ અથવા ક્યાંક ફસાયેલા છીએ, તો તેઓ ભૂલ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર પાકિસ્તાની પોલીસની હિંસક કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા જેએએસી નેતાએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ હવે ચૂપ નહીં રહે. તેમણે ચેતવણી આપી હતી કે, `જો અમારાં રાજકીય અને શાંતિપૂર્ણ વલણના જવાબમાં ગોળીબાર કરવામાં આવે, તો અમારી પાસે અન્ય વિકલ્પો ખુલ્લા છે.