રાજ્યભરમાં ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો

કહેવાય છે ને કે, “ટીપે ટીપે સરોવર ભરાય અને એ જ ટીપું જ્યારે ધરાની કુખમાં સમાય ત્યારે આવનારી પેઢીનું નસીબ ચમકાવે છે” પાણી એ માત્ર આપણી જરૂરિયાત નથી, પણ આપણું અસ્તિત્વ છે. આજના સમયમાં જળ એ જ જીવનનો મંત્ર સાર્થક કરવા માટે અને આપણી ધરતી માતાને ફરીથી પાણીથી તૃપ્ત કરવા માટે જળસંચય એ સૌથી મોટું પુણ્યનું કામ છે. ચોમાસાની આ પાવન ઋતુની શરૂઆત સાથે જ, રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને જાળવી રાખવા અને તેને વધુ ઊંચું લાવવા દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને પ્રયાસ કરવા જોઈએ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઇ રહ્યું છે. ગુજરાત સરકારની ભૂગર્ભ જળ રીચાર્જ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ કરીને જમીનમાં ઘટતા ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે.
પહેલાના સમયમાં વરસાદી પાણીને કૂવા, વાવ, તળાવમાં સંગ્રહિત કરવામાં આવતું હતું પરંતુ સમયાંતરે મોટા બદલાવના કારણે હવે આપણા જીવન ધોરણો બદલાતા આ ફરજ આપણે ભૂલી ચૂક્યા છે અને મોટી માત્રામાં વરસાદી પાણી વહી જાય છે. જેથી આ વરસાદી પાણી જમીનમાં પુરતા પ્રમાણમાં ન ઉતરતા મોટાભાગની જગ્યાએ જળસ્તર ઊંડા થયા છે. અને ખાસ ઉનાળાની ઋતુમાં આપણે પાણીથી બેબાકળા થઈ જઈએ છીએ. સિંચાઈ માટે પણ પાણી ન મળતા ખેડૂતોને પણ મોટુ નુકશાન થાય છે. આવી પરિસ્થિતિ વધુ વણસે નહીં તે હેતુસર આ વરસાદી પાણીનો ભૂર્ગભમાં યોગ્ય સિંચન થાય તેવા પ્રયાસો દરેક નાગરિકે કરવા જોઈએ.
વરસાદી પાણીનો સંગ્રહ (Water Harvesting)એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે. ઘર, સોસાયટી કે ખેતરમાં નાની-મોટી સિસ્ટમ ગોઠવીને આપણે હજારો લીટર પાણી બચાવી શકીએ છીએ. વરસાદી પાણીના સંગ્રહ માટેની મુખ્ય અને અસરકારક રીતો જોઈએ તો, બોરવેલ કે કૂવા રિચાર્જ, ખેત તલાવડી, સોક પિટ (શોષ ખાડા)નું નિર્માણ વગેરે દ્વારા આ વરસાદી પાણીને જમીનમાં ઉતારી શકાય છે. મકાનના અગાસીના પાણીનો સંગ્રહ જેમાં પાઈપ મારફતે જમીનમાં આ પાણી ઉતારી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મોટાભાગની પ્રાથમિક શિક્ષણ સંકુલમાં અને બહુમાળી સરકારી ઈમારતોમાં આ પ્રકારની સિસ્ટમથી વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
વરસાદી પાણીના સંગ્રહ (જળસંચય)થી થતા ફાયદાઓ જોઈએ તો, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય છે. ખેતી અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ બને છે. ભૂર્ગભ જળ સારા હશે તો કટોકટીના સમયે પાકને બચાવી શકાશે અને સિંચાઈ માટે ભરપૂર પાણી મળી રહેશે, જેનાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બનશે. આ સાથે પાણીની ગુણવત્તામાં સુધારો થશે. જમીનમાં વરસાદી પાણી ઉમેરાવાથી ક્ષારનું પ્રમાણ ઘટે છે. પરિણામે લોકોને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે. ઉનાળાના આકરા દિવસોમાં જ્યારે પાણીની તંગી વર્તાય છે, ત્યારે આ સંગ્રહ કરેલું પાણી સંજીવની સમાન સાબિત થાય છે.
આમ, વહી જતું પાણી અટકવાથી જમીનનું ધોવાણ અટકે છે અને પ્રકૃતિની સુંદરતા તથા હરિયાળી લાંબા સમય સુધી જળવાઈ રહે છે.