દેશના ગ્રીન ટ્રાન્ઝિશનને નવી દિશા આપતા ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી ઓળખ

ભારત આજે સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના ગ્રીન ટ્રાન્ઝિશનને નવી દિશા આપતા ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્યએ 50.38 ગીગાવોટ (GW) સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તેમાં 31.53 GW સૌર ઊર્જા, 13.51 GW પવન ઊર્જા અને 5.34 GW અન્ય રિન્યુએબલ સ્ત્રોતોનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી 4.38 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપિત થઈ ચૂકી છે. હવે ગુજરાતે વર્ષ 2030 સુધી 105 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે, જે ભારતના સ્વચ્છ ઊર્જા ભવિષ્ય માટે એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે.

આ પરિવર્તનનું સૌથી મોટું પ્રતિક છે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક. આશરે 538 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકસતો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 30 GW ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનશે. આ વિસ્તાર આશરે પાંચ પેરિસ શહેર જેટલો મોટો છે. હાલમાં જ અહીં 9.4 GW ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે અને બાકીના તબક્કાઓનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અહીંથી ઉત્પન્ન થતી સ્વચ્છ વીજળીથી 1.8 કરોડથી વધુ ઘરોને વીજ પુરવઠો આપી શકાય તેવી ક્ષમતા ઉભી થશે. સાથે જ દર વર્ષે અંદાજે 6.36 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે પર્યાવરણ માટે ખૂબ મોટું યોગદાન સાબિત થશે.

જો સરળ ભાષામાં સમજીએ તો, આજે ભારતમાં સ્થાપિત દરેક પાંચ GW રિન્યુએબલ એનર્જી ક્ષમતામાંથી આશરે એક GW ગુજરાતમાંથી આવે છે, અને આગામી વર્ષોમાં તેમાં સૌથી મોટું યોગદાન કચ્છ આપશે. એટલે જ કચ્છ હવે માત્ર સફેદ રણ, પ્રવાસન, બંદરો કે ઔદ્યોગિક વિકાસ માટે નહીં, પરંતુ ભારતના ગ્રીન એનર્જી ભવિષ્યના પાવરહાઉસ તરીકે ઓળખાઈ રહ્યો છે.

વર્ષ 2030 સુધી 105 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું ગુજરાતનું લક્ષ્ય માત્ર એક સરકારી આંકડો નથી, પરંતુ ભારતને ઊર્જા આત્મનિર્ભર અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક લક્ષ્યો તરફ લઈ જતું એક મહત્વપૂર્ણ મિશન છે. અને આ મિશનની સૌથી મજબૂત કડી આજે કચ્છ બની રહ્યું છે.

એક સમયનું રણ… આજે ભારતના હરિત ભવિષ્યને ઊર્જા આપતું વિશ્વનું સૌથી મોટું ગ્રીન એનર્જી કેન્દ્ર બની રહ્યું છે. આ માત્ર કચ્છનો વિકાસ નથી, પરંતુ સમગ્ર દેશના ભવિષ્યને પ્રકાશિત કરતી નવી શરૂઆત છે.