લાલ કિલ્લા પર અભેદ સુરક્ષા કવચ

image

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહ માટે સુરક્ષા માટે અભેદ વ્યવસ્થા ગોઠવીઇ છે. માહિતી અનુસાર સમારોહ વખતે વિવિધ એજન્સીના 20 હજાર જેટલા સુરક્ષાકર્મી તૈનાત કરાશે. સુરક્ષા તંત્રને માનવબળની તેમજ તાંત્રિક તૈનાતી એમ બે ભાગમાં મૂકવામાં આવ્યા છે, તેવું નાયબ પોલીસ કમિશનર રાજા બાંઠિયાએ કહ્યું હતું. કોઇપણ સંભવિત આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમને પણ મેદાને ઉતારાશે. ક્વિક રિએક્શન ટીમો રણનીતિક સ્થળો તેમજ વોચ ટાવર પર તૈનાત કરાશે. એનએસજીની ટીમો, અર્ધલશ્કરી દળોના જવાનો, સ્નાઇપર, હિટ ટીમો પણ લાલ કિલ્લા પર તૈનાત કરાશે. યાંત્રિક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લાલ કિલ્લા પરિસર અને આસપાસના વિસ્તારોમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. પ્રશિક્ષિત કર્મીઓ કેમેરાઓની લાઇવ ફિડ પર નજર રાખશે. જમીની સ્તર પર તરત કાર્યવાહી કરવા સક્ષમ ટીમો માટે પણ ખાસ સ્થાન રખાયાં છે. ડ્રોનના સંભવિત ખતરા સામે લડવા માટે ખાસ એન્ટિ ડ્રોન સિસ્ટમ મુકાઇ છે. પોલીસ ઓનલાઇન સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર પણ નજર રાખશે.