હુતી ક્ષેત્રમાંથી ભારતે બે જહાજ પાર પાડયા
રાતા સમુદ્ર અને એડનની ખાડી વચ્ચે આવેલાં વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પૈકી એક એવા બાબ અલ-મંદેબ તાજેતરના વર્ષોમાં યમનના હૂથી બળવાખોરોના હુમલાઓ અને પ્રાદેશિક તણાવને કારણે અત્યંત જોખમી બની ગયો છે. મળતી માહિતી મુજબ આવી પડકારજનક સ્થિતિમાં ભારતીય નૌકાદળે ફરી એકવાર અહીં પોતાની સમુદ્રી સુરક્ષા ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો આઈએનએસ ત્રિશૂલ અને આઈએનએસ આદિત્યએ ક્રૂડ ઓઇલના બે ટેન્કર એમટી-કમ્પાસ અને એમટી-થલાટ્ટાને આ જોખમી વિસ્તાર સુરક્ષિત રીતે પસાર કરાવ્યો છે. બંને વાણિજ્યિક જહાજો 9 અને 10 ઓગસ્ટ દરમિયાન સફળતાપૂર્વક આ વિસ્તારમાંથી પસાર થઈ ગયા હતાં. પશ્ચિમી નૌકાદળ કમાન્ડના સત્તાવાર નિવેદન મુજબ, આઈએનએસ ત્રિશૂલ અને આઈએનએસઆદિત્યએ આ બંને ક્રૂડ ઓઇલ ટેન્કરોને બાબ અલ-મંદેબના જોખમી વિસ્તારમાં એસ્કોર્ટ કર્યા હતાં. આ દરમિયાન જહાજો કોઈપણ પ્રકારની ઘટના વિના સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે તે મહત્ત્વપૂર્ણ ઊર્જા કાર્ગોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા અને ભારતીય સમુદ્રી હિતોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આ અભિયાન એડનની ખાડી અને લાલ સમુદ્ર વિસ્તારમાં ચાલી રહેલા વ્યાપક સુરક્ષા પ્રયાસોનો એક ભાગ છે.