નાંદેડમાં સુખબીર સિંહ બાદલ પર કિરપાણથી હુમલો

image

 શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર ગુરુવારે મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા માતા સાહિબ કૌર ખાતે એક નિહંગે `કિરપાણ’ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાદલના હાથમાં ઈજા થઈ હતી. તેમની સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ જો કે, હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાંદેડના પોલીસ અધિક્ષક સાથે વાત કરી બાદલ પર થયેલા હુમલાની તપાસના આદેશ આપ્યા હતા. એક મીડિયા માહિતી મુજબ , સુખબીર સિંહ બાદલ તેમના પરિવાર સાથે શ્રદ્ધા-સુમન અર્પણ કરવા માટે નાંદેડ ગુરુદ્વારા ગયા હતા, ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. તેમને યશોસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે કહ્યું હતું કે, આ હુમલો બપોરે થયો હતો. હુમલાખોર, જસપાલ સિંહ નામના નિહંગની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. હુમલા દરમિયાન, બાદલના સુરક્ષાકર્મી સંતોષ હેગડેએ પણ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો છે. તેમાં એક નિહંગ બીજા નિહંગને પાઘડી બાંધી રહ્યો હોવાનું જોવા મળે છે. એવો દાવો કરાઇ રહ્યો છે કે, જે નિહંગ પાઘડી બંધાવી રહ્યો છે, તે જ વ્યક્તિએ સુખબીર બાદલ પર હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે એક પોલીસ અધિકારી પણ હાજર છે અને બાદમાં તેઓ તેને કસ્ટડીમાં લે છે.