બળપ્રયોગની તપાસ માટે સુપ્રીમ સમિતિ રચશે

image

 જંતર-મંતર પર ગયા મહિને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ અને આરોપોની સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાનો મોટો નિર્ણય લીધો છે. માહિતી અનુસાર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે, આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશ, પૂર્વ સીબીઆઈ વડા તથા અન્ય અનુભવી સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. અદાલતે બુધવારે અંતિમ આદેશ જારી કરવાનો સંકેત આપ્યો છે, જેમાં હિતધારકો અને અરજદારોના સૂચનોને પણ સામેલ કરાશે. સમિતિને વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીનું સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ મહિલા પ્રદર્શનકારીઓને કથિત રીતે નિશાન બનાવવામાં આવી હોવાની ફરિયાદોની પણ તપાસ કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠમાં જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનો પણ સમાવેશ થાય છે. બેન્ચે કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સમિતિની રચના અંગેનો અંતિમ આદેશ બુધવારે જારી કરવામાં આવશે. અદાલતે કહ્યું કે સમિતિમાં કયા લોકોને સભ્ય બનાવવામાં આવે તે અંગે હિતધારકો અને અરજદારોના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. બેન્ચે તમામ સંબંધિત પક્ષોને યોગ્ય નામો અને સૂચનો અદાલત સમક્ષ રજૂ કરવા વિનંતી કરી હતી જેથી સમિતિની રચના પારદર્શક અને સંતુલિત રીતે થઈ શકે. આ દરમિયાન, આજે સવારે દિલ્હી પોલીસે પ્રદર્શન સાથે જોડાયેલા કેટલાક ગંભીર આરોપોનું ખંડન કર્યું હતું. જંતર-મંતર પર કૉકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બળપ્રયોગનાં આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે તેણે કોઈપણ પ્રદર્શનકારી પર મોટા પાયે નજર રાખવા માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો નથી.