મુંદરાના રાસાપીર સર્કલ પાસે અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત

મુંદરાના રાસાપીર સર્કલ પાસે પૂરપાટ આવતાં એક ટ્રેઈલરે અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચારેક લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ અકસ્માતનાં પગલે ઘટનાસ્થળે ઘાયલોને બચાવવા દોડધામ મચી હતી.અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને અદાણી એમ્બ્યુલન્સની મદદથી સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક વીડિયોમાં રોડની સાઈડ પાસેની કાળા-પીળા પટ્ટાવાળી પથ્થરોની દીવાલ નીચે એક શખ્સ દબાઈ જતાં તેને બહાર કાઢતા લોકો દેખાયા હતા. સ્થાનિક લોકોએ માર્ગ સલામતી માટે જરૂરી પગલાં ભરવા અને અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.