દેશમાં ખાંડની અછત નથી, જલ્દી કિંમતો ઘટશે

ખાંડના ભાવમાં ભડકાથી દેશના સામાન્ય માણસમાં નારાજગી અને રાજકીય ગરમાવા વચ્ચે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. દેશમાં ખાંડની કોઇ અછત નથી અને આવનાર સમયમાં છૂટક બજારમાં ભાવ ઘટશે. ખાંડ ઉદ્યોગનાં ટોચનાં સંગઠન ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનએ સોમવારે આવી ધરપત આપી હતી.`ઇસ્મા’ના અધ્યક્ષ નીરજ શિરગાંવકરે સોમવારે ખાસ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, દેશમાં ખાડનો ભરપૂર જથ્થો મોજૂદ છે. બાકી ખાંડની કિંમતોમાં અચાનક ઉછાળા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સટ્ટેબાજી અને અનુમાનના આધારે વધુ ખરીદી તેમજ કેટલાક વેપારીઓ દ્વારા ગેરકાયદે મોટા જથ્થાના સંગ્રહથી `કૃત્રિમ અછત’ ઊભી કરાઇ છે. `ઇસ્મા’ વડાના જણાવ્યાનુસાર સરકાર તરફથી 10 લાખ ટન કાચી ખાંડની ડયૂટીમુક્ત આયાતની છૂટ અપાયા પછી ખાંડની કિંમતો પરનું દબાણ હવે જલ્દી ઘટવા માંડશે. સપ્ટેમ્બરના અંત સુધી દેશમાં લગભગ 35 લાખ ટન ખાંડનો કલોઝિંગ સ્ટોક રહેવાનું અનુમાન છે. મતલબ એ થયો કે, દેશની ઘરેલુ માંગને પૂરી કરવા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેશે. એ જ કારણ છે કે, આવનારા દિવસો દરમ્યાન બજારમાં પુરવઠાનું ચિત્ર સુધરવાથી ખાંડની છૂટક વેચાણ કિંમત પણ ઓછી થવા લાગશે. `ઇસ્મા’ના અધ્યક્ષ નીરજ શિરગાંવકરે મહત્ત્વની માહિતી આપતાં કહ્યું હતું કે, ખાંડ મિલોનું સંચાલન 15મી ઓક્ટોબરથી શરૂ થઇ શકે છે. ઓક્ટોબર દરમ્યાન મિલોમાંથી લગભગ 10-12 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે.