આર્થિક કયામતનો દિવસ આવી રહ્યો છે : અમેરિકાની ઈરાનને ચીમકી

અમેરિકા તરફથી નવા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે તે પહેલા ઈરાન અને અમેરિકા વચ્ચે શબ્દયુદ્ધ વધુ આક્રમક બન્યું છે. અમેરિકા જો આ પ્રતિબંધો લાદશે તો ઈરાનનાં વેપારી ભાગીદાર દેશો ઉપર સૌથી માઠી અસર થવાની સંભાવના છે અને આવા દેશોમાં ચીન પણ સામેલ છે. અમેરિકાનાં ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ચેતવણી આપતા જણાવ્યું કે, ઈરાન માટે હવે આર્થિક ડી-ડે એટલે કે, કયામત-નિર્ણાયક દિવસ આવવાનો છે. જો કે આ આર્થિક યુદ્ધ કેવું હશે તેની કોઈ વિગતોનો ફોડ તેમણે પાડયો ન હતો. બેસેંટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત દોહરાવતા જણાવ્યું હતું કે, દુનિયાએ સમજવું જોઈએ કે અમારો ઈરાદો ઈરાનની દરેક એવી આર્થિક જીવનરેખા કાપવાનો છે જે તેનાં દમનકારી શાસનને ટકાવી રાખે છે.