દિલ્હીમાં ઇમારત ધરાશાયી થવાથી 4ના મોત

રાજધાની દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારની બપોરે 40થી 50 વર્ષ જૂની એક પાંચ માળની ઇમારત કડડડભૂસ થઇને આખેઆખી જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ લોહિયાળ બનેલી દુર્ઘટનામાં ત્રણ છાત્રનાં કરુણ મોત થયા હતાં.તો ઘણા ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ બિલ્ડિંગનાં બેઝમેન્ટમાં ખોદકામ થવાનાં કારણે ધરાશાયી થઇ હતી. દુર્ઘટના વખતે તેમાં 50થી વધુ લોકો મોજુદ હતા. ઇમારતમાં હોસ્ટેલ ચાલતી હતી.ઇમારતના માલિક આનંદ બંસલ વિરુદ્ધ પોલીસે એફઆઇઆર નોંધી હતી. બાદમાં ધરપકડ પણ કરાઇ હતી. દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, અપરાધીઓને છોડવામાં નહીં આવે. બચાવ રાહત અભિયાન યુદ્ધનાં ધોરણે છેડાયું હતું. દિલ્હી સરકારે ખાસ સમિતિની રચના કરી હતી જે તપાસ કરશે અને દોષી ઠરશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વજનોને ખોનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે, ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના. અધિકારીઓ કામે લાગેલા છે અને દુર્ઘટનાગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. મુખ્યમંત્રી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા અને ઘાયલોની તબિયતની પૂછા કરી હતી. દરમ્યાન, ધ્વસ્ત થઈ ગયેલી ઈમારતના કાટમાળની નીચે દબાયેલા એક યુવકે વીડિયો બનાવીને શેર કર્યો હતો અને લોકોને બચાવવા માટે અપીલ કરી હતી. એનડીઆરએફ, અગ્નિશામક દળ, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓના જવાનોએ ઈમારતના ભારે ભરખમ કાટમાળને હટાવવાની કપરી કવાયત કરતાં ફસાયેલા 11 લોકોને સલામત બહાર કાઢયા હતા. પાંચ માળની આખી ઈમારત ધસતાં ધડાકાભેર અવાજોથી ભારે ભય ફેલાયો હતો. ચોમેર ઈમારતના કાટમાળથી ધુમ્મસ ફેલાઈ ગયું હતું. ચીસોથી વિસ્તાર ગાજી ઊઠયો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે, ભયાનક ભૂકંપ જેવો અવાજ સાંભળીને બહાર દોડી આવતાં અમે જોયું તો ઈમારત ધસી ચૂકી હતી. દરમ્યાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દુર્ઘટનાને પીડાકારી, ચિંતાજનક લેખાવી, સરકાર સામે સવાલ ઊઠાવ્યા હતા અને કોલેજ કે યુનિવર્સિટીમાં સારી હોસ્ટેલ નહીં હોવાથી છાત્રો પીજીમાં વિકટ સ્થિતિમાં રહેવા લાચાર છે. રાહુલે જણાવ્યું હતું કે, અમે પીડિતોના પરિવારોની સાથે છીએ. વિવિધ એજન્સીઓએ બચાવ-રાહત ઝુંબેશ છેડી હતી. ઘટનાસ્થળ પર ઊમટી પડેલા સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી.