કેન્દ્રીય કાપડમંત્રીશ્રી ગિરિરાજ સિંહે અજરખપુર તથા ભુજોડી ખાતે કચ્છના હસ્તકલાના કારીગરોની મુલાકાત લઈ તેમની કલાને બિરદાવી 

કચ્છ જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાતે પધારેલા કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી ગિરિરાજ સિંહે આજરોજ અજરખપુર તથા ભુજોડી ખાતે કચ્છની વિવિધ હસ્તકલાના કારીગરો, એવોર્ડ વિજેતા કારીગરોની રૂબરૂ મુલાકાત લઈ તેમની અદ્ભુત કલા-કારીગરીને નિહાળી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રથમ બ્લોક પ્રિન્ટ અજરખ કલાના હબ ગણાતા અજરખપુર ગામની મુલાકાત લઈને અજરખકલાના કસબી તેમજ નેશનલ એવોર્ડ વિજેતા શ્રી ઈસ્માઈલ ખત્રીના વર્કશોપની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે અજરખ બ્લોક પ્રિન્ટની સમગ્ર પ્રક્રીયા નિહાળીને આ કલા વિશે માહિતી મેળવી હતી તથા આ કલાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા નવી ટેક્નિક તથા ક્લૉથ ડિઝાઇનો સમન્વય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે વસ્ત્ર મંત્રાલય દ્વારા હેન્ડબ્લોક પ્રિન્ટિંગ ક્લસ્ટરના દુષિત પાણીને શુદ્ધ કરવા બનાવેલા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈને જરૂરી સૂચનો જણાવ્યા હતા. આ પ્રસંગે તેમણે પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો આપ્યો હતો.

અજરખપુર ખાતે એલએલડીસી ક્રાફ્ટ તથા મ્યુઝિક મ્યુઝિયમની મુલાકાત લઈને અહીં પ્રદર્શિત કચ્છની સંસ્કૃતિ,પરંપરા અને કલાને દર્શાવતા વિવિધ હસ્તકલા, હેન્ડલૂમ તેમજ પરંપરાગત વાદ્યોના નમૂનાઓ નિહાળીને કેન્દ્રીયમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા. આ સાથે ભારતીય હસ્તશિલ્પ દ્વારા આયોજીત “શિલ્પ સંવાદ” કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ હેન્ડલૂમ–હસ્તકલાના કારીગરો, એનજીઓ, એન્ટરપ્રિન્યોર, ડિઝાઈનર તથા વિવિધ કસબમાં એવોર્ડ વિજેતા કારીગરો સાથે આત્મીય સંવાદ કરીને કચ્છની સંસ્કૃતિ, પરંપરા તેમજ હસ્તકલા વિશે માહિતી મેળવીને કારીગરોને તમામ પ્રકારની સહાય માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કચ્છના વિવિધ કસબને ઘરે ઘરે મહિલાઓ તથા યુવાનો સુધી પહોંચાડીને રોજગારીની નવી તકો ઉભી કરાશે. આગામી 5 વર્ષમાં એક લાખ ઘરો સુધી હેન્ડલુમ તથા હેન્ડીક્રાફ્ટની વિવિધ કલાને પહોંચાડવા જરૂરી તાલીમ, સંશાધનોની ખરીદી તથા માર્કેટિંગ સહિતની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. ઘર બેઠા લોકોને કલાના માધ્યમથી મહત્તમ રોજગારી મળી રહે તે માટે કારીગરો, નિષ્ણાંતો સાથે મળીને એક ઈકો સિસ્ટમ ઉભી કરવા જિલ્લા વહીવટી તંત્રને કેન્દ્રીય મંત્રીશ્રીએ ખાસ સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લાના કારીગરોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ આ તકે કચ્છની મહિલાઓના સશક્તિકરણ તથા નવી પેઢી માટે પણ આ કળાઓને રોજગારીનું માધ્યમ બનાવી ઘરે ઘરે વિવિધ કલાના કસબીઓ તૈયાર કરાશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારના એક લાખ ઘર સુધી હસ્તકલાનું હુન્નર પહોંચાડવાના લક્ષ્યને સાકાર કરવા ટુંક સમયમાં બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને આ દિશામાં કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રીએ હેન્ડલુમ માટે જાણીતા ભુજોડી ગામ નેશનલ એવોર્ડ વિજેતા શ્રી ચમનભાઈ પ્રેમજી સીજુ તથા તેમના પરિવારના કારીગરો સાથે મુલાકાત કરીને તેમની સર્જનશીલતાની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન હાથવણાટની કામગીરી તથા ભુજોડીની વિશ્વવિખ્યાત હાથ-બનાવટની શાલ, હેન્ડલૂમ સાડી, સ્ટોલ સહિતના વિવિધ નમૂનાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. પરિવારની મહિલા કારીગરો સાથે આત્મીયતાપૂર્ણ વાતચીત કરીને તેમણે દરેક કૃતિની બનાવટ, તેની પાછળની મહેનત અને પરંપરા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ રોજગારી તથા વેચાણ વધારવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા હતા. આ તકે મંત્રીશ્રીએ કારીગરોને તમામ પ્રકારે સહાયરૂપ થવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે NIFDના ડાયરેક્ટરશ્રી સંજય સુદ, આગેવાનશ્રી ધવલ આચાર્ય તથા વસ્ત્ર મંત્રાલય તથા સંલગ્ન વિભાગના અધિકારીઓશ્રી તથા મોટીસંખ્યામાં કારીગરો જોડાયા હતા.