રશિયામાં સૈન્ય વિમાન ક્રેશ, 17ના મોત

image

રશિયાના કેમેરોવ વિસ્તારમાં એક આર્મી વિમાન એએન-12 હવામાં જ અગનગોળો બની તૂટી પડતાં વિમાનમાં સવાર તમામ 17 જણનાં મોત નિપજ્યા હતાં. મળતી માહિતી મુજબ નજરે જોનારા અને મીડિયા હેવાલો અનુસાર વિમાન હવામાં ઊડતું હતું ત્યારે અચાનક આગ લાગી હતી. ત્યારબાદ તે ઝડપથી નીચે પડવા લાગ્યું અને જમીન સાથે ટકરાતાં જોરદાર ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં કોઈને પણ બચાવી શકાયા નહોતા. દુર્ઘટના કઈ રીતે થઈ તે સામે આવ્યું નથી. કેમેરોવના ગવર્નર ઈલ્યા સેરેડયુકે સ્થાનિક સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. વિમાનમાં આગ લાગી હતી અને ક્રૂએ છેલ્લા સમય સુધી સળગતાં વિમાનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની કોશિશ કરી હતી, જેથી જમીન સ્તરે જાનમાલની નુકસાની ન થાય. આ વિમાન સાઈબેરિયાના નોવોસિબિર્સ્કથી ક્રાત્રોયાર્સ્ક ક્રાઈના કાંસક જઈ રહ્યું હતું. ગવર્નરે કહ્યું હતું કે, ઘટનાસ્થળે એક ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવાયું છે. ત્યાં આરોગ્ય ટીમ, પોલીસ, ઈમર્જન્સી સેવાઓ અને નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. અત્યાર સુધી વિમાન તૂટવાનું સાચું કારણ બહાર આવ્યું નથી, તપાસ ચાલી રહી છે. એન્ટોનોવ એએન-12 સોવિયત સમયનું ચાર એન્જિનવાળું લશ્કરી માલવાહક વિમાન છે, જેને 1950ના દાયકામાં તૈયાર કરાયું હતું. આ વિમાનનો ઉપયોગ સૈનિકો, યુદ્ધનાં સાધનો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કરાય છે.