હોર્મુઝમાં નવ જહાજ ઉપર જોખમ: સરકારને ચિંતા

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ ભારતીય જહાજોની સુરક્ષા મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડાના કે ભારત સંબંધિત નવ જહાજ ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય પોર્ટ, જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ સોનોવાલે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી. જેમાં ભારતીય જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા પગલા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સમુદ્રી પ્રશાસન મહાનિદેશાલયને સંવેદનશિલ સમુદ્રી ક્ષેત્રોમાં દેખરેખ વધારવા અને સુરક્ષા સંબંધિત સુચનાઓ સમયે શેર કરવા નિર્દેશ આપ્યો હતો. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ સોનોવાલે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા માટે ઘણા પગલા ભરવા નિર્દેશ આપ્યો હતો. જેમાં સંવેદનશિલ અને જોખમ ધરાવતા સમુદ્રી ક્ષેત્રોમાં ગતિવિધી ઉપર આકરી નજર રાખવી, સુરક્ષા સંબંધિત ચેતવણીઓ અને સલાહ સમયે જહાજો સુધી પહોંચાડવી, શિપિંગ કંપની અને જહાજ સંચાલકો સાથે નિયમિત સંપર્ક રાખવો તેમજ ભારતીય નાવિકોને સંભવિત જોખમ અને તેનાથી બચાવ અંગે જાગૃત કરવાનો નિર્દેશ સામેલ છે. સોનોવાલે દુનિયાના અલગ અલગ હિસ્સામાં વેપારી જહાજ ઉપર વારંવાર થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી હતી. ખાસ કરીને એવી ઘટનાઓ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ભારતીય નાવિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા બનાવો નાવિકોની સુરક્ષા માટે ખુબ જ ગંભીર છે. તેનાથી સમુદ્રી વ્યાપાર પ્રભાવિત થાય છે અને વૈશ્વિક સપ્લાઈ ચેનની સ્થિરતા પણ કમજોર બને છે.