કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ધોરડો ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકાના ધોરડો ગામે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટરશ્રીએ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને નાગરિકોના વિશાળ હિતમાં કામગીરી કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે કચ્છના ભુજ તાલુકાના હાજીપીર, ભીટારા, લુણા સહિત બન્ની વિસ્તારના ગામોમાં પીવાના પાણીના વિતરણની સમસ્યા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રીએ સમગ્ર કચ્છના પીવાના પાણી વિતરણની વ્યવસ્થાને સુદઢ બનાવવા માટે આયોજનપૂર્વક કામગીરી કરવા માટે જણાવ્યું હતું. કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ભુજ ધારાસભ્યશ્રીના પ્રશ્નને લઈને પાણી પુરવઠા વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બોર નિર્માણ સહિતના વૈકલ્પિક આયોજન તેમજ લાંબા ગાળાની યોજના બનાવીને પાણી વિતરણના પ્રશ્નનું નિવારણ લાવવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, ધારાસભ્યશ્રીએ ભુજ તાલુકા તેમજ સમગ્ર કચ્છના ખેડૂતોને કુવા બનાવવા માટે બે ગુંઠા સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયામાં એનઓસીથી વિલંબ થવા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. કચ્છ કલેક્ટરશ્રીએ ખેડૂતોના વિશાળ હિતમાં ત્વરિત જ અરજીઓનો નિકાલ કરવા મામલતદારશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
વધુમાં કચ્છ કલેક્ટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં નાગરિકોને પીવાનું પાણી કોઈ જ મુશ્કેલી વગર ઉપલબ્ધ થાય એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓને સંકલન કરીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ખાસ કરીને બન્ની વિસ્તારના ગામડાઓમાં પાણીનું વિતરણ જરૂરિયાત મુજબ થાય તે માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા કચ્છ કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કચ્છ કલેક્ટરશ્રીએ સંકલન બેઠકમાં રજૂ થતાં પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવા તમામ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. તેઓએ જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે સબંધિત અધિકારીશ્રીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવાનું જણાવીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મંજુલાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, ભુજ આરટીઓ અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.