મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં મંગળવારનાં થયેલા ભયંકર અકસ્માતમાં 20 લોકોનાં મોત થયા છે. નાસિકમાં એક બસ રીક્ષા સાથે ટકરાઈને કૂવામાં પડી ગઈ. કેટલાક લોકોનાં ડેડબૉડી પોલીસે બહાર નીકાળ્યા છે, તો કેટલાકની શોધ ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી સૂચના અનુસાર નાસિક જિલ્લાનાં દેવલા વિસ્તારમાં મંગળવારનાં એક બસ સામેથી આવી રહેલી રીક્ષા સાથે ટકરાઈ ગઈ હતી.અકસ્માત બાદ અનિયંત્રિત બસ પાસેનાં કૂવામાં પડી ગઈ. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતમાં ઘાયલ અનેક લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ રાહત ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બસમાંથી લોકોને બહાર નીકાળવાનું કામ શરૂ કર્યું.નાસિક જિલ્લાની એસપી આરતી સિંહે જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા 20 લોકોનાં મૃતદેહો બહાર નીકાળવામાં આવ્યા છે. આ ઉપરાંત 18 લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમને ગંભીર ઇજા થઈ છે. એસપીનું કહેવું છે કે બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની જાણકારી હજુ સુધી મળી નથી. સાથે જ કેટલાક અન્ય લોકો માર્યા ગયા હોવાની આશંકા પર અહીં શોધ ચાલુ કરી છે.પોલીસનાં જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળ પર સ્થાનિક તંત્રનાં અધિકારી હાજર છે. સાથે જ સ્વાસ્થ્ય વિભાગની ટીમોને પણ અહી કામે લગાડવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર માટે અધિકારીઓએ ડૉક્ટરોને દરેક સંભવ વ્યવસ્થા કરવાનાં આદેશ આપ્યા છે.