ઝાલોદના સ્મશાન પાસેના નાળાના પુલમાં ગાબડું પડતાં પુલ જર્જરિત બન્યું

ઝાલોદના સૌથી મોટા સ્મશાન પાસેના નાળાના પુલમાં ગાબડું પડી ગયું હતું. આ પુલનો લોકો અવર-જવર માટે હંમેશા ઉપયોગ કરતા રહ્યા છે. તે પુલના રીપેરીંગ ગામનો સમાવેશ હંમેશા વિવાદમાં રહેલી ઝાલોદ નગરપાલિકા એ આ વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીમાં ન કરતા હાલ વરસાદની સિઝન ચાલુ થઈ ગયા છતાં તે તુટેલુ નાળું યથાવત સ્થિતિમાં રહી ચોમાસામાં લોકો માટે જોખમ ઊભું કરી રહ્યું છે. ઝાલોદ નગરના સૌથી મોટા સ્મશાન ઘાટની નજીક મેલનિયા તથા ઝાલોદને જોડતા રોડ પર બનાવેલ નાળાના પુલમાં ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા મોટું ગાબડું પડી ગયું હતું. અને તેમાં લગાવેલ મોટી પાઈપો પણ ઉખડીને નાળાના પાણીમાં પડી ગઈ હતી. અને મેલનીયા અને ઝાલોદને જોડતો પુલ ઝાલોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જોખમી બન્યો હતો. આ નાળાના પુલના સમારકામ માટે ગ્રામજનો દ્વારા ઝાલોદ નગરપાલિકામાં અવાર-નવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સત્તાની ખુરશીની ખેંચતાણમાં ગ્રામજનોની રજૂઆતો વિસરાઈ ગઈ અને આ નાળાના પુલના સમારકામ માટે પાલિકા દ્વારા કોઈ કામગીરી આજ દિન સુધી હાથ ધરવામાં ના આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ પુલ બનાવવામાં પાલિકા દ્વારા મસ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. આમ પણ અવારનવાર વિવાદોમાં આવતી ઝાલોદ નગરપાલિકા આ પુલના મામલે ફરીવાર વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. આ પુલના સમારકામ નો સમાવેશ ખરેખર પ્રિ-મોન્સૂનની કામગીરીમાં કરવો જોઈતો હતો. પરંતુ તે ન કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. અને 14માં નાણાપંચના વિકાસના કામોમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા સ્મશાન આગળના પુલ ઉપર પડેલ ગાબડાનું સમારકામ સત્વરે હાથ ધરવામાં આવી તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.