કોટેશ્વર પાસે માછલીની જાળીમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો

કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના કોટશ્વર નજીક પીર પીંજાપર કેમ્પ પાસેના સમુદ્રમાંથી માછલીની જાળીમાં ફસાયેલા 60 વર્ષના અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવતાં નારાયણ સરોવાર પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. શુક્રવારે મોડી સાંજે કોટેશ્વર ખાતે આવેલી જેટીથી પશ્ચિમ દિશામાં પીર પીજાપર કેમ્પ નજીક દરિયામાં માછીમારોએ જાળી બાંધી હતી. બાજમાં પાણી ઉતરતાં આ જાળીમાં ફસાયેલી અજાણ્યા પુરૂષનો મૃતદેહ ફસાયેલો જોવા મળતાં નારાયણ સરોવર પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ભુજ મીરજાપર વચ્ચે ઉમા વિદ્યાયલ પાસે માર્ગ પર ગાય આડી ઉતરતાં એક્ટિવા સ્લીપ થઇ જતાં પટકાયેલા ચાલકનું ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર પહેલા જ મોત નિપજ્યું હતું.અકસ્માતનો બનાવ ગત ગુરૂવારે રાત્રીના અરસામાં મીરજાપર ધોરીમાર્ગ પર આવેલા ઉમા વિદ્યાલય પાસે બન્યો હતો જેમાં સુખપર રેલ્વે ક્રોસીંગ પાસે રહેતા અલ્પેશ કેશવગર ગુસાઇ (ઉ.વ. 42) પોતાની હોન્ડા એક્ટિવાથી ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે રસ્તા વચ્ચે ગાય આડી આવી જતાં, ચાલકે બ્રેક મારતાં એક્ટિવા સ્લીપ થઇ ગઇ હતી જેને કારણે અલ્પેશભાઇ રસ્તા પર ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું.