કોઠારામાં કરીયાણા, મોબાઇલની 3 દુકાનના પતરા તોડી કરાઇ 35 હજારની તસ્કરી


કોઠારા ગામમાં એક રાતમાં ત્રણ ત્રણ દુકાનોના છાપરા તોડી મોબાઇલ, તેમજ એસેસરીઝ અને રોકડ મળીને કુલે રૂપિયા 35,455ના મુદામાલની તસ્કરી થઈ જતાં ચકચાર મચી છે. દુકાનના સીસીટીવી ફુટેજમાં ચોર કેદ થતાં પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખીરસરા વિંઝાણ ગામમાં રહેતા અને કોઠારા ગામમાં મેઇન બજારમાં મોબાઇલની દુકાન ધરાવતા હાજી અસરફ જુસબ હિંગોરાએ કોઠારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. કે, બનાવ ગુરૂવારે રાત્રીના બાર વાગ્યાથી શુક્રવારની સવાર સુધીના અરસામાં બન્યો હતો. તેમની દુકાનના ઉપરના પતરાને તોડી કોઇ અજાણ્યો ઈસમ અંદર પ્રવેશીને દુકાનમાં રાખેલા એક મોબાઇલ, ચાર્જર પાવરબેન્ક, બ્લુટુથ, ઉપરાંત રોકડ રૂપિયા બે હજારની તસ્કરી કરી ગયો હતો.
ઉપરાંત અન્ય મોબાઇલ પોઇન્ટ નામની દુકાનમાં પણ એજ રીતે પતરૂ તોડીને અંદરથી રોકડ રકમ અને મોબાઇલની એસેસરીઝ તસ્કરી કરાઇ હતી. જ્યારે એક જયબાલકનાથ કરિયાણા સ્ટોર નામની દુકાનમાંથી ત્રણ હજાર રોકડ રકમ અને ટ્રાયફ્રુટ બિસ્કીટોના કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ ત્રણેય દુકાનોમાંથી ચોર રૂપિયા 35,455નો મુદામાલની તસ્કરી કરી જતાં કોઠારા પોલીસ મથકમાં ફરિયાદ કરાવાઈ હતી.
ત્રણ દુકાનનો પૈકી એક મોબાઇલની દુકાનના ઉપરના છાપરાને તોડીને દુકાનની અંદર પ્રવેશ કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવીના ફુટેજ પરથી ચોરને પકડી લેવા તપાસ તેજ કરી છે.