પોલીસની બેદરકારીના કારણે પોક્સોનો આરોપી જામીન પર છૂટ્યો, ત્રણ માસમાં તપાસ પૂર્ણ કરવા આદેશ કરાયો

ચુનારાવાડ વિસ્તારની તરુણીનો હિતેશ ભરતભાઇ જાંબુકિયાએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. ત્યાર બાદ PSI એ.જે.લાઠિયાએ કાયદાની પ્રક્રિયા મુજબ 90 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું ન હતું. જેનો કાનૂની લાભ લઇ આરોપી હિતેશે એડવોકેટ જિજ્ઞેશ એમ. સભાડ મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે કેસ ચાલતા અદાલતે તપાસનીશ અધિકારીને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.

તપાસનીશ અધિકારીએ પોતે સમય મર્યાદા પૂર્વે ચાર્જશીટ રજૂ કરી દીધું હોવાનું સોગંદનામું કર્યા બાદ અદાલતે એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન PI સી.જી.જોશીને હકીકત જણાવવા હુકમ કર્યો હતો. જેથી પીઆઇએ સોગંદનામામાં પોતાની કોઇ બેદરકારી નહિ હોવાનું અને તપાસનીશ અધિકારી લાઠિયાના લીધે ચાર્જશીટ રજૂ થયું ન હોવાનું જણાવ્યું હતું.

આમ પોલીસ અધિકારીઓ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાની નીતિ સામે અદાલતે ટીકા કરી PI જોશી, PSI લાઠિયા અને મહિલા હોમગાર્ડ સેજલ મકવાણાને ત્રણ મહિનાની અંદર તપાસનો અહેવાલ મોકલવા હુકમ કર્યો છે અને આરોપી હિતેશ જાંબુકિયાને ડિફોલ્ટ બેઇલ પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.