કચ્છના કોટડા જદોડર નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 3 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત


ભુજથી માતાના મઢ જતી એસટી બસને મંગળવાર સવારે 11 વાગ્યે નખત્રાણાના કોટડા જદોડર નજીક ટ્રેલર પાછળ ટક્કરાઈ જવાથી અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને હળવાથી ભારે પ્રકારની ઇજઓ થઈ હતી. જેમને પ્રથમ નખત્રાણા સરકારી દવાખાને સારવાર અમાટે 108 એમ્બ્યુલન્સ વડે ખસેડાયા હતા. જ્યાં ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર પછી ગંભીર ઇજા પામેલા 3 જેટલા મુસાફરોને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ વિશે સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર સવારે 11 વાગ્યાની આસપાસ માતાના મઢ તરફ આગળ વધી રહેલી એસટી બસ આગળ જતાં ટ્રેલર પાછળ ધડાકાભેર ટક્કરાઈ પડી હતી. જેના લીધે બસમાં સવાર મુસાફરો અચાનક બસના બ્રેક લાગતા આગળ તરફ ધકેલાયા હતા અને તેને લઈ બસની સીટમાં ભટકાઈ જવાથી ઇજગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં બસ ચાલકને પણ ઈજાઓ થઈ હતી. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ઘટના પછી ઘાયલોને નખત્રાણા સીએચસી મધ્યે ખસેડવા આવતા લોકોની ભીડ એકત્ર થઈ હતી. સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.