અમદાવાદમાં સસરા પાસેથી 1.70 કરોડ લઈ પતિ પત્ની-દીકરીને મૂકી US ભાગી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ધંધામાં પૈસાની જરૂર હોવાથી જમાઈએ સસરા પાસેથી રૂ.55 લાખ ઉધાર લઈને સામે રૂ.50 લાખ જ પાછા આપ્યા હતા. ઉપરાંત બંગલો બનાવવા માટે પણ પુત્રવધૂના પિતાએ રૂ.1.70 કરોડ આપ્યા હતા. તેમ છતાં પણ સાસર પક્ષના સભ્યો પરિણીતાને હેરાન કરતા હતા.આ દરમિયાન પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકી અમેરિકા ભાગી જતા પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દિયર સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

આંબલી વિસ્તારમાં રહેતા શિવાનીબેન પટેલની પોલીસ ફરિયાદ અનુસાર, તેમના લગ્ન 8 વર્ષ અગાઉ માલવ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી શિવાનીબેન સાસુ કીર્તિબેન, સસરા પંકજભાઈ અને દિયર રોમિલ સાથે રહેતા હતાં. માલવ પટેલને ધંધામાં પૈસાની જરૂર હોવાથી શિવાનીબેનના પિતા પાસેથી રૂ. 55 લાખ લઈ 3 મહિના બાદ રૂ.50 લાખ જ પરત આપ્યા હતા તેમજ ત્યાર બાદ બંગલો બનાવવા રૂ.1.70 કરોડ લીધા હતા. નાની-નાની બાબતે સાસુ, સસરા અને પતિ પરેશાન કરતા હતા. આ દરમિયાન માલવભાઈ શિવાનીબેન તથા દીકરીને મૂકીને અમેરિકા જતા રહ્યા હોવાથી આ અંગે શિવાનીબેને ફરિયાદ દાખલ કરાવી હતી.