ગણતરીના કલાકોમાં વણશોધાયેલ લૂંટનો ગુન્હો શોધી આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ– ડિવીઝન પોલીસ

ગાંધીધામ શહેરની ઇફકો વસાહતથી ભારતનગર બાજુ જતા માર્ગ પર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક એક યુવાનને છરી બતાવી તેની પાસેથી રોકડ રૂા. 1700 તથા મોબાઇલની લૂંટ ચલાવી શખ્સો નાસી છૂટયા હતા. બનાવમાં પોલીસે તપાસ કરી ત્રણ શખ્સની અટક કરી હતી. શહેરના વોર્ડ 9-એ.એફ. ભારતનગરની પછવાડે રહેતા અને શિપિંગમાં કામ કરતા જિજ્ઞેશ મહેશ તપોધન નામના યુવાને બનાવ અંગે ગઇકાલે સાંજે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન અમદાવાદથી બસમાં પરત આવી ઇફકો વસાહત પાસે ઊતર્યો હતો. મોડીરાત્રે પરત ફરેલો આ યુવાન પગપાળા પોતાના ઘર બાજુ જઇ રહ્યો હતો ત્યારે બે શખ્સ તેને ફરી વળ્યા હતા અને છરી બતાવી જે કાંઇ હોય તે આપી દેવા ધમકી આપી હતી. ફરિયાદીએ કંઇ ન આપતાં એક શખ્સે છરી ઉગામી ફરિયાદીના માથામાં મારવા જતાં આ યુવાન ખસી ગયો હતો. તેવામાં અન્ય શખ્સે ફરિયાદી પાસેથી રોકડ રૂા. 1700 તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી અને સુંદરપુરીની ગલીઓમાં આરોપીઓ નાસી છૂટયા હતા. પોલીસ મથકે ફરિયાદ થયા બાદ તપાસ હાથ ધરી પોલીસે શાહનવાઝ હુસેનઅલી પઠાણ, સુનિલ અબુ સંજોટ તથા સમીર હુસેન શેખ નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી છરી, મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર સી.ટી.દેસાઇ ની સાથે પો.સબ ઇન્સ. પી.સી.મોલીયા તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કરવામાં આવેલ છે.