આમોદમાં ભત્રીજીના લગ્નની આમંત્રણ પત્રિકા આપવા નીકળેલા બે કાકાના અકસ્માતમાં મોત, પરીવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઇ

આમોદ તાલુકાના આનોર ગામમાં ભત્રીજીની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે કાકાના નાહીએર ગામ નજીક છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા બંનેના મોત નિપજ્યા હતાં. બંને કાકાના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.અકસ્માત મામલે અમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
આનોર ગામમાં રહેતા ગણપત સોમાભાઈ સોલંકીની પુત્રી વૈશાલીના લગ્ન લેવાયા હતા.જેથી ગણપત સોલંકીના નાનો ભાઈ મુકેશ સોમાભાઈ સોલંકી અને પિતરાઈ ભાઈ સુરેશ બચુભાઇ સોલંકી સાથે મોટરસાયકલ લઈને લગ્નની આમંત્રણ પત્રિકા આપવા સારૂ જંબુસર તરફ સગા સબંધીઓમા ગામોમા ગયા હતાં.તેઓ બંને કંકોત્રી આપીને સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા તે સમયે નાહીયેર ગામે આમોદથી ભરૂચ તરફ જવાના રોડ પર મુકેશ અને સુરેશની મોટર સાયકલનો છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મુકેશ અને સુરેશ માર્ગ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર જ મોત નિપજ્યા હતાં.ઘટના અંગેની જાણ આમોદ પોલીસ મથકમાં કરવામાં આવતાં તેઓએ તાત્કાલિક દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતની જાણ થતાં જ પરિવારના સભ્યોને થતા તેઓ તાત્કાલિક સ્થળ દોડી આવ્યા હતા.એક તરફ ઘરે ભત્રીજીના લગ્ન હોય ત્યારે બંને કાકાના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.