અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ભભૂકી: પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

અંકલેશ્વર GIDCમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબૂ મેળવવા માટે સમય લાગશે.
અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.
અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આજે વહેલી સવારે જૈન પેકેજીંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુ બાજુમાં આવેલી અન્ય બે નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી છે. ત્યારે DPMC ના અંદાજીત 10 થી વધારે ફાયર ટેન્ડરો ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગમાં કોઈ જાનહાની થઈ નથી.
આગ અંગેની માહિતી આપતાં અંકલેશ્વર DPMC ઈન્ચાર્જ મેનેજર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આગ એટલી વિકરાળ હતી કે, તેમને આગ પર કાબૂ મેળવતા લગભગ દોઢ કલાકથી પણ વધારે સમય થયો છે. જોકે, આગ પર કાબુ મેળવવા માટે અન્ય કંપનીના પણ ફાયર ટેન્ડરોની મદદ લેવાઇ હતી. હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબૂ મેળવવા માટે સમય લાગી શકશે.