ભચાઉ તાલુકામાં જીવલેણ હુમલા અંગે રજૂઆત કરાઈ

ભચાઉ તાલુકાના શિકારપુર તથા નારાણસરીમાં હિન્દુ સમાજના લોકો ઉપર ચોક્કસ સમાજના તત્ત્વો દ્વારા જીવલેણ હુમલા કરાતાં લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે રેલી સ્વરૂપે નાયબ પોલીસ વડાની કચેરીએ પહોંચી હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ અંગે કડક પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. છેલ્લા 10 દિવસમાં ભચાઉ તાલુકાના શિકારપુર અને નારાણસરી ગામે હિન્દુ સમાજના જુદા જુદા લોકો ઉપર ચોક્કસ સમાજના શખ્સો દ્વારા જીવ લેવાના ઇરાદે હુમલા કરવામાં આવ્યા છે. ભચાઉની શિવ હોટેલ નજીક હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે નાયબ પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. લેવા પટેલ શિકારપુર નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટે ડીવાય.એસ.પી.ને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ ખરાબ માનસિકતા ધરાવતા અમુક લોકોનો હેતુ ગામડાઓમાંથી હિન્દુઓને પલાયન કરવાનો છે. પોતાના ઇરાદા પાર પાડવા માટે ચોક્કસ સમુદાયના લોકો આવા પ્રકારના હુમલાઓ કરી લોકોને ડરાવે છે. પોલીસ ચોપડે ચડતી આવી ઘટનાઓ પૈકી અનેક ઘટનાઓમાં આરોપીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા હતા. 10 દિવસમાં જીવલેણ હુમલાના બનાવો બન્યા છે તે પૈકી લાકડિયા અને સામખિયાળીમાં પોલીસ મથકે ગુનો નોંધાયો છે જ્યારે એક બનાવમાં ભોગ બનનારે ડરના માહોલ વચ્ચે ફરિયાદ ન નોંધાવી હોવાનું જણાવાયું હતું. આવા જીવલેણ હુમલાઓના બનાવોને કારણે લોકો ભયનાં ઓથાર તળે જીવી રહ્યા છે. અમુક ગામડાઓમાં ચોક્કસ સમુદાયના લોકો બહુમતી ધરાવે છે. સમયાંતરે આવા બનાવોને અંજામ આપતા હોય છે. ભૂતકાળમાં પણ આવા હુમલાના બનાવો બન્યા છે. ત્રણેક વર્ષ અગાઉ પણ અપહરણ હત્યાનો બનાવ બન્યો હતો. આવી માનસિકતા ધરાવતા ચોક્કસ સમુદાયના શખ્સો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી નહીં કરાય તો પલાયનનો પ્રશ્ન ઉભો થાય તેમ છે. આવા શખ્સો વિરુદ્ધ પાસા સહિતની કલમો તળે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ વેળાએ વિશ્વ હિન્દુ પરિષદે પણ આવેદન પત્ર પાઠવ્યું હતું. સમાજના બેચરાભાઇ ઢાઢી, હિતેશ પટેલ, વેલજી પટેલ, રમેશ કરમશી, ભરત માવજી, મનસુખ, વેલજી, ભરત ચૌધરી, સવજી માદેવા, જગા આંબા ચૌધરી, પાંચાભાઇ પટેલ, એકલધામના મહંત દેવનાથ બાપુ, પૂર્વ કચ્છ વી.એચ.પી.ના અવિનાશ જોશી, જિલ્લા ભાજપના વિકાસ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજા વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ગની કુંભાર ભચાઉ