સસ્તુ સોનું મેળવવા જતા લાખો ગુમાવ્યા : છ ગઠિયાઓએ મળી વડોદરાના શખ્સ પાસેથી ૫ લાખ પડાવ્યા
સસ્તુ સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઇસમને પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.આ મામલે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તેમના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી હતી.જેમાં મુખ્ય સુત્રધાર ગણાતો હનિફ પઠાણ તેની પત્ની સાથે કારમા ભાગતી વેળા ઓરા ચોકડી પાસે પોલીસકર્મીને ટક્કર મારી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે,આખરે ભાગેડુ આરોપી વડું પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાઇ ગયો છે.
મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતા નીલ રવીન્દ્રભાઈ શાહ બી.ટેક.મિકેનિકલમાં અભ્યાસ કરે છે. આઠેક મહિના પહેલાં તે તેમની બાબરિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી કોલેજમાંથી પ્રોજેક્ટ બનાવવા ગાંધીધામના મુંદ્રા પોર્ટ પર ૧૨ દિવસ માટે ગયો હતો. જ્યાં તેનો સંપર્ક શંકર પટેલ નામના શખ્સ સાથે થયો હતો.આ શંકર પટેલ રવીન્દ્રભાઈ શાહને મુંદ્રા પોર્ટ પર ફરવા લઇ ગયો હતો ત્યારે તે સસ્તા ભાવે સોનુ, સોનાના બિસ્કીટ, આઇફોન, બ્રાન્ડેડ બુટ સહિતની વસ્તુઓ અપાવી શકે છે તેમ તેણે કહ્યું હતું.
જેથી તેની વાતોમાં આવી ગયેલા નીલ શાહે સસ્તુ સોનુ ખરીદવા માટે શંકરને કોલ કર્યો હતો.જેથી શંકરે તેને એક નંબર પર એપથી કોલ કરવા કહેતાં તેણે તેનો સંપર્ક કરતાં અશોક જૈન નામના વ્યક્તિ સાથે વાતચીત કરી ૧૦૦ ગ્રામના સોનાના બિસ્કીટની ખરીદી માટેની વાત થઇ હતી. જેના પગલે નીલે તેના પિતાના મિત્ર પાસેથી ૫ લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં.જે બાદ અશોક જૈનનો સંપર્ક કરતાં તેણે વાગરા પાસેનું લોકેશન આપતાં નીલ તેના ત્રણ મિત્રો સાથે ઇકો કારમાં લોકેશન પર પહોંચ્યો હતો. આ અરસામાં એક સફેદ સ્વિફ્ટ કાર ત્યાં આવી હતી.જે અંગે પુછતાં અશોક જૈને ફોન પર જણાવ્યું હતું કે, તે કારમાં હનિફ પઠાણ તેનો પાર્ટનર જ છે.હનિફ પઠાણે નીલ સાથે વિડીયો કોલ કરી સોનાનું બિસ્કીટ બતાવી મુલેર ચોકડીએ પહોંચવાનું કહ્યું હતું.
ત્યાર બાદ તેઓ કાળા કાચવાળી સ્વિફ્ટ કારમાંથી ત્રણ પૈકીના એક શખ્સે આવી તેમને પોતાનો ફોન આપી અબ્દુલ ખાલીદ સાથે વાત કરો તેમ કહેતાં નીલે જણાવ્યું હતું કે, તે આવા નામના કોઇ વ્યક્તિને જાણતો નથી. જોકે, તેમણે જણાવ્યું હતું કે,અબ્દુલ ખાલીદ અને અશોક જૈન એક જ ગ્રુપના છે.જેથી તેણે ફોન પર વાત કરતાં અબ્દુલ ખાલીદે તેને રૂપિયા સાથે તેમની કારમાં આવવા કહેતાં નીલ તેની કારમાં બેસી ગયો હતો. દોઢેક કિમી દુર જઇને કારમાં સવાર શખ્સે લઘુશંકા માટે કાર ઉભી રખાવતા કારમાં નીલની બાજુમાં બેસેલાં શખ્સે તેને પેટમાં લાત મારી કારમાંથી બહાર ફેંકી દઇ ૫ લાખની બેગ ઝુંટવીને ભાગી ગયો હતાં.બનાવને પગલે નીલે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરતાં વાગરા પોલીસ એક્શનમાં આવી ગઠિયાઓને પકડવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી.
ઘટનામાં અન્ય એક ફરિયાદ નોંધાઇ હતી જેમાં લુંટારૂ ટોળકીના મુખ્ય સુત્રધાર હનિફ પઠાણ અને તેની પત્ની નઝમાએ નાકાબંધીમાં ઉભેલા પોલીસકર્મીને અકસ્માત કરી નાસી છુટ્યો હતો.જેમાં વાગરામાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુલેર ચોકડી પાસેની લૂંટની ઘટનાને લઇને ઓરા ચોકડી પાસે નાકાબંધીમાં હતાં. તે વેળાં મેસેજ આવ્યો હતો કે, હનિફ તેમજ તેની પત્ની નઝમા સફેદ બ્રેઝા કારમાં શંકાસ્પદ હાલતમાં ઓરા ચોકડી તરફ આવે છે.જેથી હેડ કોન્સ્ટેબલ મહેશ તેમજ બીજા કર્મીઓએ તેની કાર રોકવા જતાં હનીફે મહેશને ટક્કર મારી ત્યાંથી નાસી છુટ્યો હતો.જોકે,બાદમાં વડોદરાના વડુ પોલીસ સ્ટેશનની હદમાં હનિફને પોલીસે દબોચી લીધો હતો.આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધી શંકર પટેલ, અશોક જૈન ઉર્ફે અબ્દુલ ખાલિદ,દિલીપ ઠક્કર, અબ્દુલ મઝીદ અને રિયાઝને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.