ભુજના હંગામી બસ સ્ટેશનમાં અંધારાના ઓળા ઉતરતાં જ પિયક્કડોની જામતી મહેફિલ
ભુજનું નવું બસપોર્ટ શરૂ થયા બાદ સંસ્કારનગર સ્થિત ધણીધોરી વિનાના હંગામી બસ સ્ટેશનમાં અંધારાના ઓળા ઉતરતાં જ પિયક્કડોની મહેફિલ જામતી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સ્ટાફના કેટલાક પ્યાસીઓની સાથે લુખ્ખા તત્ત્વોનેય છૂટો દોર મળતો હોવાની ફરિયાદ આસપાસના રહેવાસીઓમાંથી પણ સાંભળવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભુજના નવા બસપોર્ટની ચાલતી કામગીરી દરમ્યાન ભુજના સંસ્કારનગર ખાતે એસ.ટી. ક્વાર્ટરની જગ્યામાં હંગામી બસ સ્ટેશન શરૂ કરાયું હતું. ગત 26મી જાન્યુઆરીએ નવું બસપોર્ટ શરૂ થયા બાદ હંગામી બસ સ્ટેશન માત્ર એસ.ટી. બસોનું વિરામસ્થાન બન્યું છે, આ વિરામસ્થાનમાં અન્ય જિલ્લામાંથી આવતી બસોના રાત્રિરોકાણ અર્થે પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. આ પાર્કિંગ સ્થળે કોઈ ચોકીદાર ન હોવાથી અંધારાના ઓળા ઉતરતાં જ શરાબની મહેફિલો જામતી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. જેમાં એસ.ટી.ના કેટલાક પ્યાસીઓની સાથે-સાથે કેટલાક લુખ્ખા રિક્ષાચાલકો પણ ઘૂસી આવતા હોવાનો આક્ષેપ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કેટલાક `ખાખીધારી’ની મીઠી નજર હેઠળ જ લાંબા સમયથી આ ગેરપ્રવૃત્તિ થઈ રહી છે, તેમ છતાં `આંખ આડા કાન’ કરાઈ રહ્યા છે. ધણીધોરી વિનાના સંકુલમાં ચાલતી આવી પ્રવૃત્તિથી આસપાસના રહેવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે, તો રાત્રિના સમયે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પોલીસ તંત્ર પગલાં ભરે તેવી માંગ પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.