લાંચ-રૂશ્વતના કેસમાં એ.સી.બી. વિરુદ્ધ કચ્છનો ઐતિહાસિક ચુકાદો
copy image

નવેક વર્ષ જૂના લાંચ-રૂશ્વતના એક કેસમાં કસ્ટમ વિભાગે તેના કર્મચારી સામે ચાર્જશીટ દાખલ કરવા પૂર્વે મંજૂરી જે-તે સમયે આપી ન હતી. પાંચ વર્ષ બાદ જ્યારે કર્મચારી નિવૃત્ત થતાં તેની સામે ચાર્જશીટ કરી કેસ ચલાવતાં ભુજની કોર્ટે એસીબીને ચેતવણી આપતો કચ્છનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપીને નિર્દોષ ઠેરવી તેને થયેલા કષ્ટ બદલ એસીબીને એક લાખ વળતર તરીકે ચુકવવા આદેશ કર્યો હતો . ભુજના આઠમા અધિક સેશન્સ જજ તથા લાંચ-રૂશ્વત ધારાની ખાસ અદાલત સમક્ષ ચાલી ગયેલા આ કેસની વિગતો મુજબ મુંદરાની કસ્ટમ કચેરીમાં ગોઠવેલા છટકા-દરોડા દરમ્યાન બંદરમાં માલ પહોંચાડતા વાહનોને પ્રવેશ માટેના મુખ્ય ગેટ પરના કસ્ટમના કર્મચારીઓ દ્વારા વાહનચાલકો પાસેથી રૂા. 50થી 100 એક વાહનના કાગળોમાં ચેકિંગ બાબતના સહી-સિક્કા કરવા માટે વસૂલાતા હોવાની બાતમીના આધારે તા. 11/6/2015ના એસીબી પોલીસ દ્વારા છટકું ગોઠવી દરોડો પડાયો હતો. જેમાં ફરજ પરના કસ્ટમ ઇન્સ્પેક્ટર કનૈયાકુમાર તથા સિપાહી પૂનાભાઇ મોગજીભાઇ બારિયા રૂા. 50ની લાંચ સ્વીકારતાં પકડાઇ જવાના કિસ્સામાં નિયમાનુસાર કસ્ટમ ખાતાના અધિકૃત અધિકારી પાસેથી તેમના કર્મચારીઓ વિરુદ્ધ આ કાયદા હેઠળ ચાર્જશીટ કરતાં પહેલાં પરવાનગી મેળવાની હોય છે, જે ન મળતાં ચાર્જશીટ કરવામાં આવી ન હતી, પરંતુ જ્યારે સિપાહી પૂનાભાઇ તા. 30/4/2020ના નિવૃત્ત થઇ ગયા હોઇ તેમની વિરુદ્ધ મંજૂરીની જરૂરત રહેતી ન હોવાનું જણાવી લાંચ-રૂશ્વત અટકાયતી ધારાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીએ ગુનો કર્યાનો ઇન્કાર કરતાં કેસ આગળ ચાલ્યો જેમાં સરકાર તરફથી એકંદરે 5 સાક્ષીઓ અને દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા અને બંને પક્ષે અનેકવિધ મુદ્દાઓ ઉપર કાયદાકીય પ્રબંધો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ઉપર આધાર રાખી, વિસ્તૃત દલીલો કરવામાં આવ્યા બાદ 58 પાનાના ચુકાદામાં ખાસ અદાલતના જજ કાનાબાર મેડમે છણાવટને અંતે આરોપી પૂનાભાઇને નિર્દોષ?છોડી મૂકવા તેમજ એસીબી ખાતા દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે તેઓની નોકરી ચાલુ હતી ત્યારે પરવાનગી આપવાની તેમના ખાતાના સક્ષમ અધિકારી દ્વારા ના પાડવામાં આવી હોવાનું તપાસ કરનાર અમલદારની ઉલટ તપાસ દરમ્યાનની કબૂલાત નજર સમક્ષ રાખી એસીબી કચેરીનું આ કૃત્ય કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનો તથા તેને કારણે એક નિવૃત્ત નાના વર્ગના કર્મચારીને થયેલા કષ્ટ વિગેરેની બચાવ પક્ષની રજૂઆત અનુસંધાને કોર્ટે એસીબી કચેરીને સબક શીખવાડવા તથા કાનૂની જોગવાઇઓ ધ્યાને લઇ કચ્છના એસીબીના કેસોના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબી ખાતાએ આરોપી પૂનાભાઇને રૂા. એક લાખ વળતરરૂપે 3 માસમાં ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવમાં ભુજના વરિષ્ઠ એડવોકેટ રામલાલ એમ. ઠક્કર, તારક આર. ઠક્કર તથા નિશાંત આર. ઠક્કરે હાજર રહી રજૂઆતો કરી હતી.