આદિપુરમાં દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો
રાપરમાં લૂંટ, હત્યા સહિતના ગુના નોંધાયેલા છે, તે શખ્સ ચિત્રોડ રેલવે ફાટક નજીક પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. શખ્સને આદિપુરમાંથી દેશી પિસ્તોલ સાથે એલસીબીએ ઝડપી પાડયો હતો. રાપર પોલીસ મથકે સુખદેવ ઉર્ફે સુખો રામસંગ ગોહિલ (કોળી) નામના શખ્સ વિરુદ્ધ હત્યા, લૂંટ, ચોરી સહિતના છ જેટલા ગુના નોંધાયેલા છે. શખ્સને ગળપાદર જેલથી રાપર કોર્ટમાં લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે તા. 12/7ના ચિત્રોડ રેલવે ફાટક નજીક પોલીસને હાથતાળી આપીને પાછળ આવી રહેલી એક્ટિવા પર સવાર થઈ આ શખ્સ નાસી ગયો હતો, ત્યારથી તેની તપાસ પોલીસે હાથ ધરી હતી, પરંતુ તે હાથમાં આવતો નહોતો. દરમ્યાન આ શખ્સ આદિપુરના બસ સ્ટેન્ડ પાસે ઊભો હોવાની એલસીબીને પૂર્વ બાતમી મળી હતી. પોલીસે ત્યાં જઈ શખ્સને પકડી પાડયો હતો. તેની તપાસ કરાતાં દેશી પિસ્તોલ મળી આવી હતી. શખ્સની અટક કરી તેના કબજામાંથી રૂા. 5000ની દેશી પિસ્તોલ હસગત કરાઈ હતી. ચાલુ હાલતમાં મેગેઝીનવાળી આ પિસ્તોલ તેની પાસે ક્યાંથી આવી હતી તે હજુ બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.