કકરવા પાસે પરિણીતાની છેડતી, અપહરણની કોશિશ અંગે પોલીસ ફરિયાદ
ભચાઉ તાલુકાના કકરવા ગામ નજીક એક મહિલાની છેડતી કરી તેના અપહરણની કોશિશ કરાતા ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોબારીનો એક યુવાન અને તેની પત્ની પોતાના સંબંધીને ત્યાં કકરવા આવી રહ્યાં હતાં. દરમ્યાન કાનાણી પાટીયા નજીક આરોપી ભરતવાલા કોળી અને અજાણ્યા શખ્સે પોતાનું બાઈક આડું રાખી યુવાનને રોકાવ્યો હતો. દરમ્યાન ભરત કોળીએ છરી કાઢી યુવાન પરિણીતાની છેડતી કરી પોતાના બાઈક ઉપર બેસવાનું કહેતા તેનો પતિ વચ્ચે પડતા તેની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ત્રીજો અજાણ્યો શખ્સ આવતા શખ્સોએ યુવતીને પોતાની સાથે બેસાડવાની કોશિશ કરી હતી તેવામાં યુવતીએ રાડારાડ કરતા આસપાસમાંથી લોકો આવી જતાં ત્રણેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગાંધીધામના અંતરજાળમાં એક મહિલા પાસે સોશ્યલ મિડીયા થકી બિભત્સ માંગણી કરનારા સામે ગુનો નોંધાયો હતો. અંતરજાળમાં રહેનાર એક પરિણીતાને હનુમાન નગર મોટી ભુજપુર મુંદરાનો પાલુ કાનજી ગઢવી નામનો શખ્સ 2021થી 2023 પરેશાન કરી રહ્યો છે. શખ્સે 40 વર્ષિય મહિલાને ફોનમાં વ્હોટ્સએપ તથા ફેસબુક દ્વારા બિભત્સ માંગણી કરતો હતો. પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.