ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી માંગલ્ય સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા
ભરૂચ શહેરની માંગલ્ય સોસાયટીમાં રહેતાં જૈન પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ.9.85 લાખના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. બહારગામથી ફરીને આવેલા જૈન પરિવારને ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી માંગલ્ય સોસાયટીમાં રહેતાં દિજગોજ દિગમ્બર જૈન પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતાં. આ તકનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. સવારના સાડા સાત વાગ્યે તેમના ઘરની સામે રહેતાં ગુરૂજીતસિંગજીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમના ઘરના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં પડેલું છે. જેથી ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતું હતું. જેથી તેઓએ વીડિયોકોલ પર વાત કરી સ્થિતી બતાવવા કહેતાં તેમણે વીડિયોકોલ પર વાત કરી જોતાં ઘરનો દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હોવા સાથે ઘરમાં બન્ને બેડરૂમમાં તમામ સામાન વરે-વિખેર પડેલો હતો. જેથી પરિવાર તાત્કાલિક બહાર ગામથી પરત આવી મકાનમાં ચેક કરતાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ એક લીનોવા કંપનીનું લેપટોપ સહિત કુલ રૂ.9.85 લાખનો સામાન ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે દિજગોજ દિગમ્બર જૈને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ