ભરૂચના જંબુસર તાલુકામાં એક સાથે સાત મૃતકોની અંતિમયાત્રાઓ નિકળતાં આખું ગામ શોકમય બન્યું

image-124

ભરૂચના જંબુસર તાલુકામાં આવેલાં વેડચ, પાંચકડા તેમજ ટંકારી બંદર ગામે રહેતાં સગાસંબંધીઓ ભરૂચના શુક્લતીર્થ ખાતે ચાલતાં મેળામાં ફરવા માટે ઇકો કાર લઇને નિકળ્યાં હતાં.આ સમય દરમિયાન મંગણાદ ગામ પાસેથી પસાર થતાં સમયે એક ટ્રકના ચાલકે પંક્ચર પડતાં તેનું ટેન્કર રોડની સાઇડમાં ઉભું રાખ્યું હતું. જોકે, તેણે ટ્રકની આગળ-પાછળ કોઇ પ્રકારની આડશ કે રિફલેક્શન લગાવ્યાં ન હતાં. આ અરસામાં પરિવારની ઇકો કાર ત્યાંથી પસાર થઇ રહી હતી. તે વખતે રોડ પરની ધૂળ અને અંધારાને કારણે ચાલકને ટ્રક નહીં દેખાતાં તેમની કાર ધડાકાભેર ટ્રકમાં ઘૂસી જતાં તેમાં બેસેલાં 7 લોકોના મૃત્યુ થયાં હતાં. જ્યારે ત્રણ જણાને ગંભીર ઇજાઓ થઇ હતી.આ ઘટનાના પગલે જંબુસર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ મૃતકોના દેહને તેમના ગામોમાં લઇ જવાયાં બાદ તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં આખે-આખું ગામ જોડાયું હતું. ગોજારા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને જોઇને લોકોની આંખો ભીંજાઇ ગઇ હતી. રૂદન અને આક્રંદથી આખું ગામ શોકમય બન્યું હતું.

રિપોર્ટર:- કેતન મહેતા, જંબુસર