કચ્છ હજુ પણ ગુજરાતનો સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર

તાજેતરમાં વેનિઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભૂકંપ સામેની તૈયારી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આ દરમિયાન પ્રકાશિત થયેલા નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાવાયું છે કે કચ્છ હજુ પણ ગુજરાતનો સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે. જોકે, અમદાવાદ અને રાજકોટ જેવા શહેરો પણ અલગ-અલગ ભૂસ્તરીય પરિબળોને કારણે જોખમથી સંપૂર્ણપણે મુક્ત નથી. Geosciences Journalમાં પ્રકાશિત આ અભ્યાસમાં છેલ્લા 350 વર્ષ દરમિયાન નોંધાયેલા 1,288 ભૂકંપોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સંશોધકોએ ગુજરાતને સાત અલગ ભૂકંપીય ઝોનમાં વહેંચ્યું છે, જેમાં કચ્છ રિફ્ટ ઝોન સૌથી વધુ સક્રિય હોવાનું સામે આવ્યું છે. અભ્યાસ અનુસાર, કચ્છમાં મોટા ભૂકંપની સ્થિતિમાં જમીનની ધ્રુજારી (Peak Ground Acceleration – PGA) 0.51gથી 0.57g સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે 2001ના ભુજ ભૂકંપ દરમિયાન પણ 0.3gથી 0.6g જેટલી ધ્રુજારી નોંધાઈ હતી, જેના કારણે ભારે જાનહાનિ અને નુકસાન થયું હતું. સંશોધન મુજબ રાજકોટ પર મુખ્યત્વે કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવતા મોટા ભૂકંપની અસર થઈ શકે છે, જ્યારે અમદાવાદ નજીકના ફોલ્ટ અને ખંભાત રિફ્ટ સિસ્ટમ તેમજ નરમ જમીનને કારણે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.