આણંદસરના હરજીભાઇ ભાવાણીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા જમીનના ક્ષારમાં ઘટાડો થયો
રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ નુકશાનકારક છે. રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રેરાઇને પ્રાકૃતિક ખેતી તરફ વળનાર ભુજ તાલુકાના આણંદસરના હરજીભાઇ શાંતિલાલ ભાવાણી સારા નફા સાથે જમીનના ક્ષારમાં પણ ઘટાડો કર્યો છે.
વર્તમાનસમયમાં બાગાયતી પાક જેવા જામફળ, આંબા તથા હળદર જેવા પાકનું વર્ષભર વાવેતર કરી નોંધપાત્ર નફો કમાતા હરજીભાઇ ભાવાણી જણાવે છે કે, રાસાયણિક ખેતીના કારણે મારી જમીન કડક અને ક્ષારવાળી બની ગઇ હતી. પાણીનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હતો અને પાકનું ઉત્પાદન ઓછું થવા લાગ્યું હતું. ઉપરાંત અવનવી જીવાતો આવવા લાગી તેમજ દવાનો ખર્ચ વધારે થતો હતો. આમ પાક વેચવાથી જે કમાણી થતી હતી તે ખાતર અને દવામાં જ વપરાઇ જતી હતી. વર્ષે ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જમીનની ફળદ્રુપતા વધી છે, ક્ષાર ઘટ્યો છે તેમજ બજારમાંથી કોઇ દવા કે ખાતરની ખરીદી કરવી પડતી ન હોવાથી સારો નફો મને મળી રહ્યો છે.
આત્મા યોજના દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિરમાં ભાગ લઇને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી સાથે ખેતી કેવી રીતે કરવી તે અંગે જાણકારી મેળવ્યા બાદ ખેતીમાં ધીરે ધીરે બદલાવ કર્યો છે. હાલ જીવામૃત, ઘનજીવામૃત વગેરે જાતે જ બનાવીને પાકમાં ઉપયોગમાં લઉ છું. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. પાકની ગુણવત્તા સુધરે છે. પ્રાકૃતિક પેદાશ હોવાને લીધે લાંબા સમય સુધી બાગાયતી પાક બગડતા નથી. જેથી હું બાગાયતી ખેતી કરતા ખેડૂતોને અનુરોધ કરુ છું કે, ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રકૃતિ અને માનવીના હિતમાં કાર્ય કરે. રાજ્ય સરકાર વિવિધ રીતે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે તેનો પણ ખેડૂતો લાભ ઉઠાવે તે જરૂરી છે.