આંબા પાકમાં ભૂકીછારા અને ચુસિયા પ્રકારની જીવાત
ફળપાકોમાં આંબો અગત્યનો પાક છે. આંબા પાકમાં આવતા ભૂકીછારાનો રોગ અને ચુસિયા પ્રકારની જીવાત (મધિયો) ના ઉપદ્રવથી થતા નુકશાન અને તેના નિયંત્રણ માટે જરૂરી પગલા જાણવા ખૂબ જરૂરી છે કે જેથી ખૂબ જ અસરકારક પરિણામો મેળવી શકાય.
ભૂકી છારો (પાવડરી મીલ્ડયુ) –
આંબામાં ભૂકીછારો એક ખૂબ જ ગંભીર પ્રકારનો ફૂગથી થતો રોગ છે જે લગભગ બધી જ જાતોમાં જોવા મળે છે. આ રોગની તીવ્રતા મુખ્યત્વે વાતાવરણના પરિબળો પર આધાર રાખે છે. આ રોગની સીધી અસર કેરી બેસવાની તેમજ ફળોના વિકાસ પર અસર થાય છે.
રોગની ઓળખ :
આ રોગ સામાન્ય રીતે ડીસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન જ્યારે આંબામાં મોર નીકળે છે ત્યારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં મોરની દાંડી પર સફેદ છારીના ધાબા જોવા મળે છે જે પાછળથી બદામી રંગના થાય છે. આ રોગના આક્રમણથી ફલીનીકરણ થાય તે પહેલા અથવા તે પછી કૂમળો મોર સૂકાઈને ખરી પડે છે. અસરગ્રસ્ત મોરનો ભાગ સૂકાઈને ભૂખરો થઈ જાય છે. રોગનું પ્રમાણ વધતા નાના ફળ, કૂમળા પાન તેમજ પર્ણદંડ પર છારી દેખાય છે.
સામાન્ય રીતે રોગનો પ્રભાવ આંબાના મોર પર વધુ જોવા મળે છે. પણ કેટલીક વખત નવા વિકાસ પામતા પાનની પાછળની બાજુએ સફેદ ફૂગની છારી જોવા મળે છે. રોગગ્રસ્ત પાન વિકૃત અને વળી ગયેલા જણાય છે. આ રોગમાં મોર તેમજ નાના મરવા ખરી પડતા હોવાથી નુકશાન થાય છે.
સાનુકુળ પરિબળો :
આ રોગને સુકું અને ઠંડુ વાતાવરણ ખૂબ જ માફક આવે છે. સામાન્ય રીતે મોર ફૂટે ત્યારે ખાસ કરીને ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં આવુ હવામાન હોય ત્યારે રોગનું આક્રમણ થાય છે અને તેનો ફેલાવો ઝડપી બને છે.
નિયંત્રણ:
આંબાવાડીમાં સૂકા ડાળા, પાન, ફળ વિગેરે એકઠા કરી બાળીને તેનો નાશ કરવો. આંબાવાડીમાં નિંદામણ કરતા રહેવું. આંબાવાડીમાં ખાતરો તેમજ પિયત ભલામણ મુજબ આપવા. મોર નીકળવાની શરૂઆત થાય અને કળીઓ ખીલતી હોય ત્યારે અગમચેતીના ભાગરૂપે (પ્રોટેકટીવ મેજર્સ) વેટેબલ સલ્ફર ૫૦% વે. પા. ૩૦ ગ્રા. ૧૦ લી.પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ફૂલ ખીલી ગયા હોય ત્યારે ભૂકીછારો જણાય તો હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મિ. લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે. પા. ૧૦ ગ્રામ અથવા પેનકોનાઝોલ ૧૦ ઈ. સી. ૫ મિ.લિ. અથવા મેપ્ટાઇલ ડીનોકેપ ૩૫.૭% ઇસી ૩.૦ મીલી અથવા મેટ્રાફેનોન ૫૦૦ ગ્રામ/લિ એસ સી ર.૦ મીલી અથવા ફ્લુક્સપાઇરોક્સેડ ૨૫૦ ગ્રામ/લિ+ પાઇરેક્લોસ્ટ્રોબીન ૨૫૦ ગ્રામ/લિ ૨.૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને કોઇપણ બે દવાને વારાફરતી ૨૦ દિવસના આંતરે ત્રણથી ચાર છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારથી કરવી. ફળ બેસવા માંડે ત્યારે દવા છાંટવાની જરૂર પડે તો ફરી વેટેબલ સલ્ફર દવા છાંટી શકાય.
આંબાનો મધિયો :
બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારના અને ઝાંખા રાખોડી રંગના હોય છે. જે ખૂબ જ ઝડપથી ત્રાંસા ચાલતા હોય છે. ઈડામાંથી સેવાયેલા બચ્ચાં સફેદ રંગના હોય છે તેમજ નાની લાલાશ પડતા રંગની આંખોવાળા હોય છે. જે સમય જતાં ભૂરા રંગમાં પરિવર્તિત થાય છે. પુખ્ત કીટકના માથા ઉપર ગાઢા બદામી રંગના ત્રણ ટપકાં અને વચ્ચેના ભાગમાં પટ્ટો ધરાવતા હોય છે. એમરીટોડસ એટકીનસોની કદમાં સૌથી મોટા તેમજ ગાઢા ભૂખરા રંગના ૪.૨ થી ૫.૧ મી. મી.જેટલા લાંબા હોય છે તેમજ છાંયડાવાળી જગ્યામાં સંવર્ધન કરતાં હોય છે. ઈડીયોસ્કોપસ નીવ્યોસ્પારસસ મધ્યમ કદના ૪.૩ થી ૫.૩ મી. મી.જેટલા લાંબા જયારે ઈડીયોસ્કોપસ કલાયપીલીસ સાંકડા તેમજ કદમાં નાના ૩.૪ થી ૩.૯મી. મી. જેટલા લાંબા હોય છે જેમનું સંવર્ધન સૌથી વધુ થતું જોવા મળે છે.
સામાન્ય રીતે ઈંડા મૂકવાની શરૂઆત નવેમ્બર મહિનામાં જોવા મળતી નવી કૂંપળોના પાન ઉપર થાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ મધ્યનસ તેમજ પુષ્પ વિન્યાસમાં કૂમળા ભાગોમાં એકલ દોકલ રીતે ઈંડા મૂકે છે. એક માદા કીટક અંદાજીત ૧૦૦ થી ૨૦૦ જેટલા ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૭ દિવસની હોય છે. બચ્ચાં અવસ્થા ૧૦ થી ૧૫ દિવસની હોય છે. આ રીતે ૨૫ થી ૨૯ દિવસમાં જીવનક્રમ પુરો થાય છે. સામાન્ય રીતે મધિયાનો ઉપદ્રવ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. પરંતુ મોર બેસવાના સમયે તેની સંખ્યામાં એકાએક વધારો થતા જોવા મળે છે. કેરીની સીઝન પુરી થયા બાદ પુખ્ત કીટક સુષુપ્ત અવસ્થા ઝાડના થડ પર રહેલી તીરાડોમાં પસાર કરે છે અને ફરીથી ઓકટોબર મહિનાના અંતમાં સક્રિય થાય છે.
નુકશાન :
માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં વધુ ઈંડા મૂકે ત્યારે આ ભાગો સુકાઈ અને ખરી જાય છે. બચ્ચાં અને પુખ્ત કીટક કુમળા પાન, તેમજ પુષ્પવિન્યાસના જુદા જુદા ભાગોમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. વધુ ઉપદ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે. જયારે પુષ્પવિન્યાસના કુમળા ભાગો સુકાઈ જવાથી વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડે છે. આ ઉપરાંત આ કીટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જે પ્રકાશસંશ્લેષણ ક્રિયાને અવરોધે છે. આ જીવાતને ભેજ અને છાંયડાવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે. આ જીવાતનો ઉપદ્રવ આફૂસ, સરદાર અને લંગડો જાતોમાં વધુ જોવા મળે છે.
નિયંત્રણ વ્યવસ્થાપન :
આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીમાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. મોર ખીલે તે પહેલા સીન્થેટીક પાવરેબ્રોઈડ ગ્રુપની દવાઓ જેવી કે ડેલ્ટામેથ્રીન ૨.૮ ટકા ઈસી પમી.લી.નો છંટકાવ કરવો. ત્યારબાદ જીવાતના ઉપદ્રવને ધ્યાને રાખીને થાયમેથોક્સમ ૨૫ ટકા ડબલ્યુ જી ૪ ગ્રામ અથવા બુપ્રોફેજીન ૨પ ટકા ઇસી ૧૫મીલી અથવા લેંમડાસાયહેલોથીન ૫ ટકા ઇસી ૧૦ મીલી અથવા નીઓનીકોટીનોઈડ ગ્રુપની ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસએલ ૫ મી.લી. અથવા ટોલ્ફેનપાઇરાડ ૧૫% ઇસી ૨૦ મીલી અથવા પાઇમેટ્રોજીન ૫૦% ડબલ્યુ જી ૬ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને કોઇપણ બે દવાના વારાફરતી ૨૦ દિવસના આંતરે ત્રણ થી ચાર જીવાતના ઉપદ્રવ્યે ધ્યાને રાખીને છંટકાવ કરવાથી મધિયાનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. રોગ જીવાતનું આક્રમણ વધારે હોય તો ઉપરની કોઈપણ દવા વારાફરતી ૨૦ થી ૨૫ દિવસના આંતરે છાંટી શકાય. ઉપરોકત જણાવેલ દરેક છંટકાવ વખતે સ્ટીકર ૧૦ મીલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરવું જેથી કરીને છંટકાવના સારા પરિણામ મળી શકે. ઉપર જણાવેલા ઉપાયો વ્યવસ્થિત અને સમજદારીથી કરવામાં આવે તો આંબાના પાકમાં ભૂકીછારો અને મધિયાથી થતું નુકશાન અટકાવી શકાય છે. તેવું નાયબ બાગાયત નિયામકશ્રી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.