ગરમી વધતાં જ કુંડા-ચકલીઘરની ડીમાન્ડ વધી લોકો જાગૃત બની સામેથી જીવદયા કાર્યમાં જોડાયા


ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે.
માનવજ્યોતનાં કુંડા અને ચકલીઘર કચ્છનાં દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે. જીવદયા પ્રેમીઓ કુંડા-ચકલીઘર ઘરોઘર વસાવી રહ્યા છે. અને કુંડામાં પાણી ભરી રાખી પોતાનાં હાથે જીવદયાનું ઉત્તમકાર્ય કરે છે. દરેક શહેરો ગામોમાં કુંડા-ચકલીઘરો ઠેર-ઠેર લટકતા જોવા મળે છે. પહેલાનાં જમાનાંની જેમ લોકોમાં જાગૃતિ આવી છે. લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે.
યુવક મંડળો, મહિલા મંડળો, ટ્રસ્ટો, સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ ગરમી વધતા જ કુંડા-ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. અનેક સંસ્થાઓ-મંડળો-મંચો કુંડા ચકલીઘર પોતાનાં ગામ-શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. ૨૧ વર્ષ પહેલાં માનવજયોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળગ્યા છે. ગુજરાતનાં અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે. અમદાવાદ, મુંબઇ, કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા-ચકલીઘર પહોંચ્યા છે.
તો વિદેશથી આવેલા એન.આર.આઇ. આ કુંડા-ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડયા છે. હાલે ઉનાળાની કાળઝરતી ગરમીમાં કુંડા-ચકલીઘરની ડીમાન્ડ અનેક ઘણી વધી ગઈ છે. તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. શ્વાનો માટે સિમેન્ટની ચાડીઓ તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કુંડીઓ માનવજયોત સંસ્થાએ ઠેર-ઠેર ગોઠવી છે. જેનાં ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતાની તરસ છીપાવે છે. આમ અબોલા પશુ-પક્ષીઓ ને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે. લોકો પક્ષીઓની પણ ચિંતા સેવી રહ્યા છે. તેમનાં માટે પાણીની વ્યવસ્થા કરે છે.
આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે. કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા-ચકલી ઘર બનાવે છે, એની અતિ ભારે ડીમાન્ડ રહે છે. માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર-કુડાઓ-ચણ થાળી લે છે. અને જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે.
જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. અબોલા જીવો, પશુ-પક્ષીઓનો પાણીનો પોકાર સાંભળી તેમને પાણીની વ્યવસ્થા કરી આપે છે. આજે માનવજ્યોતના કુંડા-ચકલીઘર કચ્છભરમાં દરેક શહેરો
ગામડાઓમાં લટકતા જોવા મળે છે. જેનાંથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયાપ્રેમી લોકો પુન્યનું કાર્ય કરી રહ્યા છે.
માનવજ્યોતના કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી ચુક્યા છે.
જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, કરસનભાઈ ભાનુશાલી, મુળજીભાઈ ઠક્કર, નિતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવિણ ભદ્રા, નરશીભાઈ પટેલ ગોવિંદભાઈ પાટીદાર, મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે.